Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમેરિકાની અવળચંડાઈ ? દાઉદના ભત્રીજા સોહેલ કાસકરને ભારતને સોંપવાને બદલે પાકિસ્‍તાન જવા દીધો

ભારતીય એજન્‍સીઓને ડોનના ભત્રીજાને ભારત લાવવાના પ્રયાસોમાં લાગ્‍યો ધક્કો

મુંબઈ, તા. ૧૩ :. અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા સોહેલ કાસકરને ભારત પરત લાવવાના પ્રયાસને ધક્કો લાગ્‍યો છે. સોહેલ કાસકરને અમેરિકી એજન્‍સીઓએ નાર્કો ટેરેરીઝમના કેસમાં સાણસામાં લીધો હતો તે પછી મુંબઈ પોલીસ સતત તેને ભારત લાવવા પ્રયાસો કરતી હતી પરંતુ મુંબઈ પોલીસના જણાવ્‍યા પ્રમાણે તે વાયા દુબઈ પાકિસ્‍તાન પહોંચી ચૂકયો છે.
હાલમાં જ મુંબઈ પોલીસને એક વાતચીત ઈન્‍ટરસેપ્‍શન દરમિયાન સોહેલનો અવાજ સંભળાયો હતો જે પછી પોલીસે અમેરિકી એજન્‍સીઓનો સંપર્ક સાધ્‍યો તો જાણવા મળ્‍યુ કે સોહેલ દુબઈ થઈને પાકિસ્‍તાન ચાલ્‍યો ગયો છે. હવે મુંબઈ પોલીસ અને અમેરિકી એજન્‍સીઓ વચ્‍ચે તાલમેલની કમીને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ભારતીય એજન્‍સીઓ અને મુંબઈ પોલીસને એ સમજાતુ નથી કે આખરે એવું શું થયુ કે અમેરિકાએ સોહેલની ભારતને સોંપણી કરવાને બદલે તેને જવા દીધો.
સોહેલની જ્‍યારે ધરપકડ કરવામાં આવી ત્‍યારે તેની સાથે હામીદ, વાહબ ચીસ્‍તી અને અલી દાનીસ પણ પકડાયા હતા. ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ના રોજ કાસકરને અમેરિકી કોર્ટે સજા સંભળાવી હતી તે પછી તેને ભારત મોકલવાની તૈયારી થઈ હતી કારણ કે ધરપકડ વખતે તેની પાસે ભારતીય પાસપોર્ટ મળ્‍યો હતો.(૨-૨૭)

 

(3:38 pm IST)