Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પાકિસ્તાન કરી રહ્યું છે પ્રોક્સી વોર : સરહદે 400 જેટલા આતંકીઓને ઘુસણખોરી માટે તૈયાર રાખ્યા: આર્મી ચીફ

શસ્ત્ર વિરામના કરારો છતાં પાકિસ્તાને આતંકીઓને સરહદ પાર કરાવવાનું ચાલુ જ રાખ્યું

નવી દિલ્હી : સૈન્ય દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય વડાએ જનરલ એમ એમ નરવણેએ જાણકારી આપતા કહ્યું હતું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાને ભારત સાથે શસ્ત્ર વિરામના કરારો કર્યા હતા. જોકે તે બાદ પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર કરાવવાનું ચાલુ જ રાખ્યું છે. એવા અહેવાલો છે કે હાલ સરહદ પાર પાકિસ્તાને 400 જેટલા આતંકીઓને ઘુસણખોરી માટે તૈયાર રાખ્યા છે.  તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પ્રોક્સી વોર કરી રહ્યું છે.

સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામની સમજૂતી થઇ હતી. જોકે આ સમજૂતી વર્ષો પહેલા જ કરાઇ હતી પણ પાકિસ્તાન તેનુ વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું હતું. ગયા વર્ષે કરારો થયા તે બાદ જોકે પાકિસ્તાન દ્વારા થતો ગોળીબાર ઓછો થઇ ગયો છે.

આ કરારો પછી ઉલ્લંઘનની માત્ર બે જ ઘટનાઓ બની હતી. તેથી સ્થિતિ સામાન્ય થઇ રહી છે તે દિશામાં બન્ને દેશો કામ પણ કરી રહ્યા છે. જોકે પાકિસ્તાન તરફથી પ્રોક્સી વોર જારી છે. સૈન્ય વડાએ કહ્યું કે એવા ઇનપૂટ મળ્યા છે કે 350થી 400 આતંકીઓ હાલ સરહદ પાર છે, લોંચપેડ પર પાકિસ્તાને આ આતંકીઓને તૈયાર રાખ્યા છે. તેથી સ્પષ્ટ છે કે સરહદે ખતરો ઓછો નથી થયો અને આપણે વધુ એલર્ટ રહેવાની જરુર છે. જનરલ નરવણેએ કહ્યું હતું કે આ ખતરાની સામે આંખ આડા કાન કરી શકાય નહીં.

આ સાથે જ તેમણે ચીન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે સરહદી વિવાદોના નિકાલ માટે ચીન સૈન્યની સાથે વાતચીત ચાલુ રાખીશું સાથે જ ભારતીય સૈન્ય કોઇ પણ પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે પણ તૈયાર છે. તેથી વાતચીત અને યોગ્ય જવાબ બન્ને દીશામાં ભારતીય સૈન્ય કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે નાગાલેંડમાં સૈન્યના ગોળીબારમાં 14 નાગરિકો માર્યા ગયા હતા. આ ઘટનાની સૈન્ય વડાએ નિંદા કરી હતી

(11:54 am IST)