Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક

કોરોના મુદ્દે થશે મંથન : શું પ્રતિબંધો વધશે ?

નવી દિલ્હી તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૪.૩૦ વાગ્યે કોવિડ-૧૯ના કારણે સર્જાયેલા નવા સંજોગો અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. ઝડપથી ફેલાતા કોરોના રોગચાળાની ત્રીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રોગચાળાને પહોંચી વળવા માટેની તૈયારીઓનો હિસાબ લીધો હતો.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  તમિલનાડુમાં ૧૧ સરકારી મેડિકલ કોલેજોનું ઉધ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે આવનારો સમય તે સમાજનો હશે જે આરોગ્ય સેવાઓમાં રોકાણ કરે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ની મહામારીએ ફરીથી આરોગ્ય ક્ષેત્રના મહત્વને રેખાંકિત કર્યું છે.

મેડિકલ કોલેજોના વર્ચ્યુઅલ ઉધ્ઘાટન પછીના તેમના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું, 'ભારત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા છે. રોગચાળામાંથી બોધપાઠ લઈને, અમે અમારા તમામ દેશવાસીઓ માટે સમાવિષ્ટ અને ગુણવત્તાયુકત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ ૧૧ કોલેજોમાં મેડિકલની કુલ ૧,૪૫૦ બેઠકો હશે.'

પીએમ મોદીએ કહ્યું કે દેશનું કોવિડ રસીકરણ અભિયાન નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. પીએમએ ૧૫-૧૮ વર્ષની વય જૂથના કિશોરો માટે રસીકરણ અને બૂસ્ટર ડોઝ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગરીબોને ગુણવત્તાયુકત અને સસ્તી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આયુષ્માન ભારત યોજનાનો આભાર માન્યો હતો.

છેલ્લી બેઠકમાં, વડા પ્રધાને જિલ્લા સ્તરે આરોગ્ય માળખાને તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કિશોરોની સાથે, ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને સોમવારથી શરૂ થતા મિશન મોડ પર અભિયાન પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ જ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજયોની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે.

(10:43 am IST)