Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દેશની ૭૫ ટકા ગુપ્ત બ્યુરો યુનિટ પાસે ખુદની ઓફિસ નથી

ભાડાની ઓફિસોથી કરવું પડે છે કામ : નાણા મંત્રાલયને ભંડોળ માટે કરાશે અપીલ

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્યુરોના ૭૫ ટકા યુનિટ ભાડાની ઈમારતોમાં ચાલે છે. તેમના માટે આગામી પાંચ વર્ષમાં પોલીસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ હેઠળ તેમનું બિલ્ડિંગ આપવાનું આયોજન છે. સંસદીય સમિતિની ભલામણ પર, ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે આ યોજના માટે નાણાં મંત્રાલય પાસેથી વધારાના ભંડોળની માંગ કરવામાં આવશે.

એક અહેવાલમાં જણાવાયું છે કે હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની પોતાની ઇમારત માત્ર ૨૦-૨૫% યુનિટ્સ પર છે. આ સિવાય ૭૫ ટકાથી વધુ યુનિટ ભાડાની ઈમારતોમાંથી ચાલે છે. કાર્યાલયના બાંધકામમાં ઝડપ લાવવા ગૃહ મંત્રાલય આ મામલો IB સાથે ઉઠાવી શકે છે. પર્યાપ્ત બજેટ ફાળવણી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.

હાલમાં IB ૨૪૬ સ્થળોએ તેની ઓફિસ બિલ્ડીંગ ધરાવે છે. પોલીસ ઈન્ફ્રાસ્ટ્રકચર અમ્બ્રેલા સ્કીમ હેઠળ ૨૮ સ્થળોએ આઈબી દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ય ૪૭ જગ્યાએ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સિવાય ૩૨ જગ્યાએ જમીન ખરીદવામાં આવી છે. તેને ટૂંક સમયમાં અહીં બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, છત્ર યોજનામાં ૧૧૨ નવી યોજનાઓ સહિત કુલ ૨૯૫ પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્કીમને મંજૂરી મળ્યા બાદ આગામી પાંચ વર્ષ માટે નાણા મંત્રાલય પાસેથી પૂરતું ભંડોળ માંગવામાં આવશે.

(10:42 am IST)