Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વાંદરાના મૃત્યુ બાદ જમણવારમાં પહોંચ્યા ૧૫૦૦ વ્યકિતઃ પોલીસ કેસ

વિધિવત અંતિમ સંસ્કાર કરવાની સાથે 'મૃત્યુ ભોજ'નું આયોજન

ભોપાલ,તા. ૧૩: દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ભયનો માહોલ છે અને દરેક રાજય સરકાર પણ અગમચેતીના પગલાં રૂપે અનેક નિયંત્રણો લગાવી ચૂકી છે.છતાં ઘણા લોકો સરકારી નિયમોને નેવે મૂકીને પોતાની મરજી મુજબ વર્તન કરીને પોતાનું અને અન્યોનો જીવ જોખમમાં મૂકે છે. મધ્યપ્રદેશના એક ગામમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના દાલુપુરા ગામમાં એક વાંદરાનું ઠંડીના કારણે મૃત્યુ થયું હતું. આ બાદ, વાંદરાની ભારતીય સંસ્કૃતિ મુજબ, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેની આત્માની શાંતિ માટે 'મૃત્યુ ભોજ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથિત જમણવારમાં ૧૫૦૦ થી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે એકસાથે બેસીને ભોજન કર્યું હતું.

નિયમોના સરેઆમ ભંગ બદલ, સ્થાનિક પોલીસે કાર્યવાહી શરુ કરી છે. જમણવારનું આયોજનકર્તાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ જમણવારની વીડિયો પણ વાયરલ થઈ છે. વાંદરાને અહીંના ગામવાસીઓ ભગવાન હનુમાનનું પ્રતીક માને છે અને તેને બચાવવા ગામના રહેવાસીઓએ ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ તેને બચાવી શકયા ન હતા. 

(10:14 am IST)