Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પતંગની મોજ સાથે સેવાકાર્યની સરવાણી પણ વહેશે

સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે કમુરતા ઉતરશે, રાશિ પ્રમાણે દાન ફળદાયી : સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિનાં આયોજનો, ગૌશાળામાં ચહલપહલ છવાશે

નવી દિલ્હી,તા. ૧૩ : પતંગ રસિયાના માનીતા પર્વ ઉતરાયણની આવતીકાલે શુક્રવારે હરખભેર ઉજવણી થશે. ઉતરાયણ પવને લઇ શહેરના પતંગબજારમાં ઉત્સાહ અને ઉમંગભર્યો માહોલ દેખાઇ રહ્યો છે. ઉતરાયણ નિમિતે શહેરના આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળશે. બીજી બાજુ ધાર્મિક રીતે મહાત્મય ધરાવતી મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઇને પણ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દરમિયાન ગૌશાળામાં ગાયમાતાને ભોજનથી માંડીને જરૂરિયાતમંદોને સહાય સહિતના સેવાકાર્યોને હેલી જોવા મળશે.

શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ પર્વને સેવાકાર્ય અને દાન માટે ઉતમ અવસર, દિવસ માનવામાં આવે છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મહારાજ કિરીટદત્ત શુકલએ જણાવ્યુ હતુ કે, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દાન-સેવાકાર્યનું મહત્વ આંકવામાં આવે છે. મકરસંક્રાંતિમાં રાશિ પ્રમાણે દાનનું પણ ભારે મહત્વ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોામાં કરાયો છે. રાશિ અનુસાર દાન ફળદાયી નીવડે છે.

સંક્રાંતિ પુણ્યકાળ દરમિયાન નવા વાસણ, ગાયોને ચારો, નવા વસ્ત્ર, તલ વગેરેનું દાન કરવું અને સૂર્યનારાયણને જળ-દૂધનો અભિષેક કરવો. પિતૃતર્પણ કરવું. આ વર્ષે શુક્રવારે સંક્રાંતિનો પુણ્યકાળ બપોરે ૨:૩૦ વાગ્યાથી સાંજે ૬:૨૩ વાગ્યા સુધીનો છે. બપોરે ૨:૩૦ વાગ્યે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ધનારક એટલે કે કમૂરતા ઉતરશે. તે સાથે જ શુભકાર્યોનો આરંભ થશે. (૨૨.૯)

ઉત્તરભારતમાં પણ સંક્રાંતિ ઉજવણીનું અનેરૃં મહત્વ

મકરસંક્રાંતિનું ધાર્મિક રીતે મહત્વ હોય મંદિરોમાં પણ વિશેષ પુજા-અર્ચના થશે. મંદિરોમાં ભગવાન ઠાકોરજીને નાના પતંગનો શણગાર કરાશે અને તલ લાડુ, ચીકીનો ભોગ ચઢાવાશે. વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિ આવે છે પરંતુ સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થાય તે મકરસંક્રાંતિ સૌથી મોટી અને મહત્વની માનવામાં આવે છે. ઉતરભારતમાં પર્વોની શરૂઆત અને પાકની વાવણી સાથે સંક્રાંતિ જોડાઇ હોય આ દિવસોમાં ઉજવણીનો દોર જોવા મળે છે

નક્ષત્ર-યોગની સ્થિતી પર એક નજર

ડિસેમ્બરમાં સૂયદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક એટલે કે કમુરતા શરૂ થયા હતા. હવે શુક્રવારે બપોરે ૨:૩૦ વાગ્યે મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતા ઉતરશે. શુક્રવારે સાંજે ૮:૧૮ વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે. બપોરે ૧:૩૫ વાગ્યા સુધી શુકલ યોગ છે. બ્રહ્મયોગમાં બાલવ કરણમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ જ દિવસે દાન પર્વ, ગંગા સાગર ત્રિવેણી સંગમ સ્નાન પર્વ, સૂર્ય પૂજા, તિલસંક્રાંતિ પોંગલ જેવા પર્વોની ઉજવણી કરાશે.

સંક્રાંતિમાં રાશિ પ્રમાણે દાનનું મહત્વ

. મકર, મેષ, કન્યા રાશીઃ શુક્રવારે સંક્રાંતિ વેળાએ ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ કે પ્રિન્ટેડ કાપડ અને રૂપાનું દાન કરવું

. મિથુન, તુલા, કુંભ રાશિઃ સંક્રાંતિની ઉજવણી સાથે કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળુ કાપડ વગેરેનું દાન ફળદાયી

. સિંહ, મીન, વૃશ્ચિક રાશિઃ આ રાશિના જાતકોએ ઘઉં, ગોળ, લાલ કાપડ, કાળા તલ, તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું

.વૃષભ, કર્ક, ધન રાશિઃ ચણાની દાળ, પીળુ કાપડ, પિતળનું વાસણ વગેરેનું દાન કરવું રાશિ પ્રમાણે દાન ફળદાયી

(10:12 am IST)