Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યુપી ચૂંટણી માટે 300થી વધુ સીટ માટે ઉમેદવારોની ચકાસણી કરી:150થી વધુ ઉમેદવારોના નામ ફાઇનલ

કોર કમિટીએ પ્રથમ અને બીજાએ તબક્કાની 113 સીટ સહીત 150થી વધુ ઉમેદવારોના નામ પર મહોર મારી : ઉમેદવારોના નામને લઈને ભાજપના નેતાઓમાં કાલે પણ ચર્ચા જારી રહેશે

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલી ભાજપની બેઠકમાં આજે પાર્ટીએ 300થી વધુ બેઠકો માટે ઉમેદવારોની ચકાસણી કરી છે. બેઠકમાં 150થી વધુ બેઠકો પર ઉમેદવારોના નામ લગભગ નક્કી થયા છે. ઉમેદવારોના નામને લઈને ભાજપના નેતાઓમાં આવતીકાલે પણ ચર્ચા જારી રહેશે. જો કે યુપી વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં ભાજપની બેઠક સમાપ્ત થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ મળી શકે છે, જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. વર્ષ 2017માં ભાજપ લગભગ 90 બેઠકો પર ચૂંટણી હારી હતી, જેમાંથી લગભગ અડધી બેઠકો પર ભાજપ ઉમેદવારો બદલી શકે છે. આ સિવાય ભાજપ કેટલાક એવા મંત્રીઓની બેઠક પણ બદલી શકે છે, જેમના રિપોર્ટ કાર્ડ સારા નથી અને જનતા તેમનાથી નારાજ હોય.

ભાજપની કોર કમિટીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાની 113 બેઠકો સહિત 150થી વધુ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. ગુરુવારે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સમિતિ દ્વારા તૈયાર કરાયેલી પેનલ પર વિચાર મંથન કરવામાં આવશે.

નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પશ્ચિમ યુપીની 71 અને બ્રજની 65 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી મોટાભાગની અને બીજા તબક્કાની 55 બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. કેટલીક સીટો પર સપા અને આરએલડીના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

(11:54 pm IST)