Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અર્થતંત્રને દોડતું કરવા કેન્દ્રની કવાયત :રાજ્ય સરકારોને 50 વર્ષ માટે કુલ 12,000 કરોડ રૂપિયાની લોન આપશે

1,600 કરોડની લોન માત્ર નોર્થ ઈસ્ટ રાજ્યોને જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલને 900 કરોડની લોન અને બાકી વધેલા 7,500 કરોડની લોન બાકીના રાજ્યોને વહેંચશે

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે રાજ્યોને વધારાની લોન આપવાની જાહેરાત કરી છે.નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સરકારોને મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર) કરવા માટે 50 વર્ષ માટે કુલ 12,000 કરોડ રૂપિયાની લોન આપશે અને આ લોન રાજ્યોની લોન લેવાની ક્ષમતાથી અલગ હશે. એટલે રાજ્યો અત્યાર સુધીની નક્કી કરેલી લિમિટ મુજબ જેટલી લોન લઇ શકે છે એ તો મળશે જ, તે સિવાય આ લોન પણ આપવામાં આવશે. આ પેકેજમાં નોર્થ ઈસ્ટ અને પર્વતીય રાજ્યો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

12,000 કરોડ રૂપિયાની રકમમાંથી 1,600 કરોડ રૂપિયાની લોન માત્ર નોર્થ ઈસ્ટ રાજ્યો વચ્ચે વહેંચશે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલને 900 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. જ્યારે બાકી વધેલા 7,500 કરોડની લોન બાકીના રાજ્યોને વહેંચવામાં આવશે.

કેન્દ્ર રાજ્યોને લોન માટે જે પણ રકમ આપશે, રાજ્ય સરકારોને એ રકમ મૂડી ખર્ચમાં જ ખર્ચ કરવી પડશે. મૂડી ખર્ચ એટલે કેપિટલ એક્સપેન્ડિચર, જેનો અર્થ થાય છે, એવો ખર્ચ કે જે એક વર્ષને ધ્યાનમાં લઇને ના કરવામાં આવ્યો હોય પરંતુ લાંબા ગાળા માટે કરવામાં આવતો ખર્ચ. જેવા કે રસ્તા, બ્રિજ, બંધ, હાઈવે આ બધા ખર્ચ મૂડી ખર્ચ હેઠળ આવે છે. સાથે જ વધુ એ છે કે રાજ્ય સરકારોને તેને 31 માર્ચ 2021 સુધી ખર્ચવાનું રહેશે.

વ્યાજ વગરની 50 વર્ષની લોનનો પ્રથમ હિસ્સો નોર્થ ઈસ્ટ રાજ્યો અને પર્વતીય રાજ્યોને આપવામાં આવશે. તેમને કુલ 2500 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. જ્યારે વધેલા 7500 કરોડ રૂપિયા ફાઇનાન્સ કમિશનના નક્કી નિયમો હેઠળ વહેંચવામાં આવશે. રાજ્યોના ભાગની અડધી લોન શરૂઆતમાં આપવામાં આવશે. તે પછી પ્રથમ હપ્તો પૂરો થયા બાદ જ બીજો ભાગ મળશે.

કેન્દ્ર સરકાર રાજ્યોના કામને પ્રોત્સાહન આપવા માટે સ્પેશિયલ ઓફર પણ લઇને આવી છે. જે પણ રાજ્યોએ આત્મનિર્ભર ફિસ્કલ ડેફિસિટ પેકેજના 4માંથી 3 સુધારાને લાગૂ કર્યા હશે, એ રાજ્યોને 2000 કરોડ રૂપિયા અલગથી આપવામાં આવશે.

ઇકોનોમીમાં ડિમાન્ડને વધારવા માટે સરકાર આ પગલા લઇ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન વગેરેમાં ખર્ચ વધવાથી સિમેન્ટ, લોખંડ જેવી વસ્તુની ડિમાન્ડ વધશે, લોકોને રોજગાર પણ મળશે. આ એક જ ચાવી છે જ્યાંથી બંધ ઇકોનોમીના તાળા ખુલવાની અપેક્ષા કરી શકાય છે.

(8:13 pm IST)