Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગામમાં કરંટ લાગતા એક જ પરિવારના છ લોકોના કરૂણમોત

શૌચાલય માટેની સેપ્ટિક ટાંકી બનાવવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિને કરંટ લાગતા તેને બચાવવા જતા પરિવારના સભ્યો પણ લપેટમાં આવ્યા

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના  એક ગામમાં કરંટ લાગવાથી એક જ પરિવારના છ લોકોના મોત નીપજ્યા હતા. જિલ્લા મથકથી લગભગ 42 કિલોમીટર દૂર બિજાવર પોલીસ મથક હેઠળના મહુવા ઝાલા ગામમાં આ ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, શૌચાલય માટેની સેપ્ટિક ટાંકી બનાવવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિ કરંટની લપેટમાં આવ્યો હતો. તેને બચાવવા દરમિયાન પરિવારના અન્ય 5 સભ્યો પણ કરંટની ઝપેટમાં આવી ગયા. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

બિજાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મુકેશસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, મહુવા ઝાલા ગામમાં શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે. આ માટે સેપ્ટિક ટાંકી બનાવવામાં આવી હતી અને તેની ઉપર છત (લેંટર) મુકવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, આજે સવારે એક વ્યક્તિ આ છત પરનું સેટિંગ હટાવવા સેપ્ટિક ટાંકીમાં નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ટાંકીમાં પ્રકાશ આવે તે માટે લગાવવામાં આવેલી લાઈટના કારણે અચાનક કરંટ ફેલાઇ ગયો હતો અને તે તેમાં ફસાઇ ગયો હતો. આ ઘટના પછી, બાકીના પરિવારજનો પણ તેને બચાવવા લાગ્યા અને એ લોકો પણ કરંટની ચપેટમાં આવી ગયા. તાત્કાલિક દરેકને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે, ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

પોલીસના જણાવ્યા મુજબ સેપ્ટિક ટાંકીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા તેના પરિવારના અન્ય પાંચ સભ્યો પણ એક પછી એક નીચે ઉતરી ગયા હતા અને તેઓ પણ કરંટના કારણે દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. એસએચઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ લક્ષ્મણ આહિરવર (65), શંકર આહિરવર (35), તેના બે ભાઈઓ રામ પ્રસાદ (32) અને મિલન આહિરવર (28), નરેન્દ્ર આહિરવર (25) અને તેનો ભાઈ વિજય આહિરવર (20) તરીકે થઈ છે.

પોલીસ મથકના પ્રભારી ઠાકુરે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહુઆ ઝાલા ગામમાં થયેલા અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ મળે અને કુટુંબના સભ્યોને આ દુ:ખ સહન કરવા માટે શક્તિ આપે

(9:44 am IST)