Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોસ્ટ ઓફિસ બનશે દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક, ફ્રીમાં મળશે અનેક સુવિધાઓ

માત્ર ઓળખકાર્ડ દ્વારા બેંક સાથે જોડાઇ શકશોઃ અન્ય બેંકોના મુકાબલે આપશે વધારે વ્યાજ

નવી દિલ્હી તા. ૧૨ : તમારા નજીકની પોસ્ટ ઓફિસ ટૂંક સમયમાં બેન્ક બનવા જઈ રહી છે. હવે તમે અન્ય બેન્કોની જેમ તેમાં પણ પૈસા ડિપોઝિટી કરી શકશો. સાથે જ આ તમને અન્ય બેન્કોના મુકાબલે ઘણી ફ્રી સર્વિસ આપશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB)નો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે અને એપ્રિલ ૨૦૧૮ સુધીમાં સમગ્ર ભારતમાં તેની સેવાઓ શરૂ કરવાની યોજના છે. એ.પી સિંહ મુજબ વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તેમના બધા ત્રણ લાખ કર્મચારી આ સેવા આપશે. આ બાદ પહોંચની બાબતમાં તે ભારતની બીજા નંબરની સૌથી મોટી બેન્ક હશે. આગળની સ્લાઈડમાં જાણો કેવી-કેવી સર્વિસ મફતમાં આપશે પોસ્ટ ઓફિસ.

દેશના જુના બેન્ક એટીએમ અને અન્ય ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓ માટે પૈસા ચાર્જ કરે છે. પરંતુ પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક કસ્ટમરને એટીએમ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં આપવો પડે. આવી જ રીતે મોબાઈલ એલર્ટ માટે પણ બેન્ક કોઈ ચાર્જ નહીં લે. હાલમાં મોટાભાગની બેન્ક ૨૫ રૂપિયાથી ૫૦ રૂપિયા સુધી એસએમએસ એલર્ટ માટે ચાર્જ વસુલે છે. આવી રીતે કવાર્ટરલી બેલેન્સ મેન્ટેઈન કરવા માટે પણ કોઈ ચાર્જ નહીં આપવો પડે.

પરંપરાગત બેન્કોના મુકાબલે પેમેન્ટ બેન્ક વધારે વ્યાજ આપી રહી છે. હાલમાં પેટીએમ પેમેન્ટ બેન્ક અને ફિનો પેમેન્ટ બેન્ક પરંપરાગત બેન્કોની જેમ ડિપોઝિટ પર ૪ ટકા વ્યાજ આપી રહ્યા છે. જયારે એરટેલ પેમેન્ટ બેન્ક ૭.૨૫ ટકા અને ઈન્ડિયા પોસ્ટ બેન્ક ૫.૫ ટકા વ્યાજ આપી રહ્યું છે. જણાવી દઈએ કે આ પેમેન્ટ બેન્ક જલ્દી જ થર્ડ પાર્ટી દ્વારા ઈન્શ્યોરન્સ અને મ્યૂચ્યુઅલ ફંડ્સ પ્રોડકટ્સ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના મુખ્ય કાર્યકારી અધિકારી એ.પી સિંહ મુજબ વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં બધા જ ત્રણ લાખ કર્મચારીઓ આ સેવા આપવા લાગશે. તેમણે કહ્યું, માર્ચ ૨૦૧૮ સુધીમાં અમારી પોસ્ટ બેન્ક દરેક જિલ્લામાં હશે અને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં દેશની બધી ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસ અને ગ્રામીણ પોસ્ટ મેન પાસે આ સેવાની સુવિધા આપવાના ઉપકરણો હશે.

આ બેન્કની પરિકલ્પના રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજને કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી બેન્કીંગ સેકટરમાં વિવિધતા આવશે અને અત્યાર સુધી બેન્કીંગ વ્યવસ્થાથી દૂર રહેલા લોકો પણ જોડાશે. કોઈપણ ગ્રાહક ઓળખકાર્ડ દ્વારા તેની સાથે જોડાઈ શકે છે. તેના દ્વારા બેન્કમાં ખાતુ ખોલાવવાની માથાકુટમાંથી તમે બચી શકો છો અને કેશેલેસ ઈકોનોમી તરફ વધી શકો છો.(૨૧.૬)

(9:38 am IST)