Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સરકારને સુપ્રિમની ફટકારઃ કૃષિ કાનૂનના અમલ પર પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટમાં સરકારનુ ધાર્યુ ન થયું: કોર્ટે ત્રણેય કૃષિ કાનૂનના અમલ ઉપર સ્ટે ફરમાવ્યોઃ ૪ સભ્યોની કમિટીની રચના કરી : નવા આદેશ સુધી ત્રણેય કાનૂનનો અમલ નહિ થઈ શકેઃ હવે કમિટી નિર્ણાયક ભૂમિકામાં: બન્ને પક્ષકારોને સાંભળી અદાલતને રીપોર્ટ સોંપશે

નવી દિલ્હી, તા. ૧૨ :. સુપ્રિમ કોર્ટ તરફથી કેન્દ્રની મોદી સરકારને મોટો ફટકો પડયો છે. સુપ્રિમ કોર્ટે હવે પછીના આદેશ સુધી કૃષિ કાનૂનોના અમલ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે અથવા તો સ્ટે મુકી દીધો છે. કોર્ટે સાથોસાથ આ મુદ્દાના સમાધાન માટે એક કમિટી રચવાનો આદેશ પણ આપ્યો છે. સમસ્યાના સમાધાન માટે હવે કમીટી વાતચીત કરશે. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે બન્ને પક્ષકારોને આકરા સવાલો પણ પૂછયા હતા.

મુખ્ય ન્યાયાધિશ એસ.એ. બોબડેના નેતૃત્વવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે જે સમિતિની રચના કરી છે તે સરકાર અને ખેડૂતો વચ્ચે જારી વિવાદને સમજશે અને સુપ્રિમ કોર્ટને રીપોર્ટ સોંપશે. અત્રે એ નોંધનીય છે કે સરકારે જે કૃષિ કાનૂનોને પાસ કર્યા હતા તેનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. દિલ્હીની સરહદે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને બાદમાં મામલો સુપ્રિમ કોર્ટ પાસે પહોંચ્યો હતો.

સુપ્રિમ કોર્ટે જે સમિતિની રચના કરી છે તેમા કુલ ૪ સભ્યો સામેલ હશે. જેમા ભારતીય કિશાન યુનિયનના ભૂપેન્દ્રસિંહ માન, આંતરરાષ્ટ્રીય નિતી પ્રમુખ ડો. પ્રમોદકુમાર જોષી, કૃષિ નિષ્ણાંત અશોક ગુલાટી અને અનિલ ધનવંત, શિવકેરી સંગઠન મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ સમિતિ પોતાનો રીપોર્ટ સુપ્રિમ કોર્ટને સોંપશે. જ્યાં સુધી કમિટી રીપોર્ટ ન સોંપે ત્યાં સુધી કૃષિ કાનૂનના અમલ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

દિલ્હીમાં સરહદે છેલ્લા ૫૦ દિવસથી આંદોલન ચાલી રહ્યુ હતુ તે અત્રે નોંધનીય છે. કમિટીની રચના મામલે એટર્ની જનરલે કહ્યુ હતુ કે સરકાર તેનુ સ્વાગત કરે છે.

કિશાન સંગઠનો તરફથી રજૂ થયેલા વકીલ શર્માએ કહ્યુ હતુ કે ખેડૂતોએ કહ્યુ છે કે અનેક લોકો વાતચીત માટે આગળ આવ્યા પરંતુ વડાપ્રધાન આગળ ન આવ્યા. આ બાબતે ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે અમે પીએમને વાતચીત માટે કહી ન શકીએ. તેઓ આ મામલામાં પાર્ટી નથી. ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે અમે કાનૂનની કાયદેસરતાને લઈને ચિંતિત છીએ. સાથોસાથ નાગરીકોના જીવન અને સંપત્તિને લઈને પણ ચિંતિત છીએ. અમે સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છીએ. અમારી પાસે એક પાવર છે કે અમે કાનૂનને સસ્પેન્ડ કરી દઈએ અને એક સમિતીની રચના કરીએ.

ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે કમિટી બધાનું સાંભળશે. જે લોકોને સમાધાન જોઈતુ હોય તે કમિટી પાસે જઈ શકે છે. આ કોઈ આદેશ જારી નહી કરે કે તમને સજા પણ નહી આપે. તે ફકત અમને રીપોર્ટ સોંપશે. જેનાથી તસ્વીર સ્પષ્ટ થશે.

કોર્ટના ફેંસલાથી કિસાનો સહમત નથીઃ કાનૂન વાપસી સુધી ઘર વાપસી નહીં: ટિકૈત

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટના ફેંસલા બાબતે કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે જ્યાં સુધી કાયદો પાછો નહી ખેંચાય ત્યાં સુધી ખેડૂતોની ઘર વાપસી નહી થાય. તેમણે કહ્યુ હતુ કે અમે અમારી વાત રાખશુ અને જે વાંધા છે તે દર્શાવશું. અમારી માંગણી કાનૂન પાછા ખેંચવા અંગેની છે. અમારી માંગણી સ્ટેની નહોતી. અમારો વિજય ત્યારે જ થશે કે જ્યારે કાનૂન પાછા ખેંચાશે અને એમએસપી પર કાયદો બનશે. સિંધુ બોર્ડર પર તૈનાત એક ખેડૂતે કહ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટનો પ્રતિબંધનો કોઈ ફાયદો નથી કારણ કે આ એક સરકારની રીત છે કે અમારૂ આંદોલન બંધ થઈ જાય. આ સુપ્રિમ કોર્ટનું કામ નથી કામ સરકારનુ છે. સંસદનું કામ છે. સંસદે તે પરત લેવો જોઈએ. જ્યાં સુધી સંસદમા તે પરત નહી ખેંચાય ત્યાં સુધી ચાલુ રહેશે

ખેડૂતોની વચ્ચે કેટલાક ખાલીસ્તાનીઓ છે...જેવી દલીલોમાં સરકારને પછડાટ મળી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો ફજેતો થયો છે. સરકારે કોર્ટમાં કહ્યુ હતુ કે ખેડૂતોની વચ્ચે કેટલાક ખાલીસ્તાનીઓ છે. આવી દલીલોને કારણે સરકારને પછડાટ લાગી છે. સુનાવણી દરમિયાન જ કોર્ટે સંકેતો આપ્યા હતા તે સ્ટે આપવા માગે છે. કૃષિ કાનૂન મામલે બન્ને પક્ષકારો વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. કોર્ટે સરકારને એમ પણ કહ્યુ હતુ કે અમારી ધીરજને લઈને અમને લેકચર આપવામાં ન આવે.

આવતીકાલે તામિલનાડુ અને કેટલાક વિભાગોમાં ભારે થી અતિભારે વરસાદ પડશે :ચેન્નાઇ ખાતેના હવામાન ખાતાના સેન્ટરે જાહેર કર્યુ છે કે આજે અને આવતીકાલે તામિલનાડુમાં કેટલાક વિભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડશે : કેરળ અને પુડ્ડુચેરીમાં પણ આવતા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે : ખાસ કરીને તામિલનાડુના તીરૂનેલવેલી, થુથુપુડ્ડી, વિરૂધુનગર અને રામનાથપુરમ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે : દરમિયાન અતિ રામ પટ્ટીનમ ખાતે ૬ ઈંચ જેવો ભારે વરસાદ પડી ગયો છે જયારે હરિયાલુર, નાગપટ્ટીનમ, કરાઈકાલ ખાતે ૩ થી ૫ ઈંચ વરસાદ પડ્યો છે.

(3:41 pm IST)