Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

યુએસની ડ્રોન સ્ટ્રાઈકમાં સાત બાળકો માર્યા ગયા હતા

અમેરિકન અખબારના અહેવાલમાં પોલ ખુલી ગઈ : એક ડ્રાઈવરને ટાર્ગેટ કરાયો હતો, જેની કાર વિસ્ફોટકો નહીં પણ પાણીના જગથી ભરેલી હતી, ૯નાં મોત થયા હતા

કાબુલ, તા.૧૧ : તાલિબાન પર અફઘાનિસ્તાના કબ્જા બાદ કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ૧૩ અમેરિકન સૈનિકો અને અફઘાન નાગરિકો સહિત ૧૭૦ કરતા વધારે સૈનિકોના મોત થયા હતા. હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસ-કે દ્વારા લેવામાં આવી હતી. જેનો બદલો લેવા માટે અમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈક કરી હતી અને દાવો કર્યો હતો કે, તેમાં કાબુલ હુમલા માટે જવાબદાર આતંકીઓ માર્યા ગયા હતા. જોકે અમેરિકાના દાવા પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

અમેરિકન અખબારે પ્રકાશીત કરેલા અહેવાલમાં જણાવાયુ છે કે, વાસ્તવમાં જે જગ્યાએ ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યાં એક ડ્રાઈવરને ટાર્ગેટ કરાયો હતો. જેની કાર વિસ્ફોટકો નહીં પણ પાણીના જગથી ભરેલી હતી.

૪૩ વર્ષીય જેમારી અહેમદી એક ટોયોટા કાર ચલાવતો હતો. જે હુમલામાં નષ્ટ થઈ ગઈ હતી. હુમલામાં જેમારી અને સાત બાળકો સહિત પરિવારના નવ સભ્યોના મોત થયા હતા.

હુમલા બાદ પેન્ટાગોને કહ્યુ હતુ કે, ત્રણ નાગરિકોના મોત થયા છે. જોકે પરિવારે હવે અમેરિકન અખબાર સમક્ષ ખુલાસો કર્યો છે કે, અમારા પરિવારના ૧૦ સભ્યો માર્યા ગયા હતા.

સ્ટ્રાઈકમાં મોતને ભેટેલા અહેમદીના ભાઈ ઈમલે કહ્યુ હતુ કે, માર્યા ગયેલા તમામ લોકો નિર્દોષ હતા અને અહેમદીએ પોતે અમેરિકા પાસે રેફ્યુજી તરીકેને દરજ્જો માંગ્યો હતો. કારણકે તેણે અમેરિકનો માટે કામ કર્યું હતું.

જોકે પેન્ટાગોનનુ કહેવું છે કે, અહેમદની હિલચાલ આતંકી સંગઠન આઈએસઆઈએસ-કે સાથે જોડાયેલી હતી અને તેના વાહનોમાં વિસ્ફટકો હતા. જેનો ઉપયોગ આત્મઘાતી હુમલા માટે કરાયો હતો. અમેરિકાએ તો અહેમદી આઈએસઆઈએસ-કેનો સૂત્રધાર હોવાનું પણ કહેલું છે. અમેરિકાએ અહેમદીના ઘર પર એરસ્ટ્રાઈક કરી હતી. જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો.

(7:31 pm IST)