Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

લાઠીચાર્જનો આદેશ કરનાર એસડીએમ સામે તપાસ થશે

કરનાલમાં ખેડૂતો અને પ્રશાસન વચ્ચેનો અવરોધ ખતમ : પીડિત પરિવારને એક સપ્તાહની અંદર નોકરી, મૃતક ખેડૂતના પરિવારના ૨ લોકોને સરકાર નોકરી આપશે

કરનાલ, તા.૧૧ : હરિયાણાન કરનાલ ખાતે ખેડૂતો અને પ્રશાસન વચ્ચેનો અવરોધ ખતમ થયો છે. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની અને પ્રશાસનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અંગેની જાહેરાત કરી હતી. દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, લાઠીચાર્જનો આદેશ આપનારા તત્કાલીન એસડીએમ આયુષ સિન્હા વિરૂદ્ધ ન્યાયિક તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન આયુષ સિન્હા રજા પર રહેશેએસીએસ દેવેન્દ્ર સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ૨૮ ઓગષ્ટના રોજ થયેલા લાઠીચાર્જની ન્યાયિક તપાસ કરવામાં આવશે અને હાઈકોર્ટના રિટાયર્ડ જજ તેનું મોનિટરિંગ કરશે. તત્કાલીન એસડીએમ આયુષ સિન્હા તપાસ દરમિયાન રજા પર રહેશે. પીડિત પરિવારને એક સપ્તાહની અંદર નોકરી આપવામાં આવશે. મૃતક ખેડૂતના પરિવારના લોકોને નોકરી આપવાની વાત કહેવામાં આવી છે. એક મહિનાની અંદર ન્યાયિક તપાસ પૂરી કરવા કહેવામાં આવ્યું છે. કિસાનોની માગણી પર સરકારની હામી બાદ કરનાલમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ પ્રદર્શન પૂરૂ કરવાની જાહેરાત કરી છે.

ગુરનામ સિંહ ચઢૂનીએ મુદ્દે જણાવ્યું કે, હા તેમણે એફઆઈઆરની માગણી કરી હતી પરંતુ ન્યાયિક તપાસ વધુ યોગ્ય છે. જો તે લોકોએ તપાસ કરી હોત તો કદાચ તપાસ પ્રભાવિત પણ થાત પરંતુ હવે તપાસનું મોનિટરિંગ હાઈકોર્ટના જજ કરશે તે વધુ યોગ્ય છે. ચઢૂનીએ જણાવ્યું કે, સુશીલ કાજલના પરિવારના સદસ્યોને નોકરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પર લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતો કરનાલમાં મિની સચિવાલયની બહાર સતત ધરણા પર બેઠા હતા. ખેડૂતોએ લાઠીચાર્જનો આદેશ આપનારા એસડીએમ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી.

(7:30 pm IST)