Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સાકીનાકા બળાત્કાર કેસની પીડિતાનું હોસ્પિટલમાં મોત

મુંબઈમાં નિર્ભયા કાંડ જેવી આઘાતજનક ઘટના : રેપ બાદ ગુપ્ત ભાગમાં સળિયો નાખી દેવાયો હતો, આરોપીઓ સામે કડક કાર્ચવાહીનો રાજ્યના ગૃહમંત્રીનો પોલીસને આદેશ

મુંબઈ, તા.૧૧ : સાકીનાકા બળાત્કાર કેસની પીડિતાનું શનિવારે સવારે ઘાટકોપરની રાજાવડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત નાજુક હતી. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે પીડિતાની પર ગંભીર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. જેના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેને રાજાવાડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ડોક્ટરો સતત પીડિતાની સારવાર કરી રહ્યા હતા. પરંતુ આખરે તેણીએ દમ તોડી દીધો હતો.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે સંબંધિત પોલીસ સ્ટેશનને સાકીનાકા બળાત્કાર કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પોતે બાબત પર નજર રાખી રહ્યો છું અને પોલીસકર્મીઓ પાસેથી દરેક ક્ષણની અપડેટ લઈ રહ્યો છું. દિલીપ વલસે પાટીલે જણાવ્યું હતું કે સાકીનાકાની ઘટના હૃદયદ્રાવક અને દુર્ભાગ્યપૂર્ણ છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર પીડિતાને મળવા માટે શનિવારે સવારે રાજાવાડી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પીડિતાની સારવાર ચાલી રહી હતી. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ૩૦ વર્ષીય મહિલા પર બળાત્કારની ઘટનામાં એક મહત્વના સીસીટીવી સામે ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોવા મળે છે કે આરોપી રસ્તા પર પીડિતાને નિર્દયતાથી મારી રહ્યા છે અને બાદમાં તેને અધમરી હાલતમાં એક ટેમ્પોમાં રાખીને ભાગી જાય છે. સીસીટીવી રાતના સમયના છે, જેના કારણે ચિત્ર બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું નથી. કેસની તપાસ કરી રહેલી સાકીનાકા પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ આરોપી મોહન ચૌહાણના છે. સીસીટીવી આરોપીઓને સજા અપાવવામાં ખૂબ મદદરૂપ થશે. ઘટના બાદ પીડિતા મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી. આરોપીઓએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો, જેના કારણે તેની હાલત નાજુક થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

(7:25 pm IST)