Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ગણેશ ચતુર્થી પર કેજરીવાલે કરી પૂજા

વિધ્નહર્તા દુષ્ટ વાયરસનો નાશ કરશેઃ ઉધ્ધવ ઠાકરે

નવી દિલ્હી તા. ૧૧ :.. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગણેશ ચતુર્થી પર શુક્રવારે સાંજે ગણપતિ પૂજનના સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે વખતે તેમના માથા પર તિલક હતું અને તેમણે શેરવાની પહેરી હતી. આયોજનની શરૂઆતમાં તેઓ પોતાની પત્ની સાથે ગણપતિની મૂર્તિ લઇને આવ્યા અને પછી પૂજા-અર્ચના થઇ. નૃત્ય અને ગાયન વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સીસોદીયાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મુખ્ય પ્રધાને કેજરીવાલે આ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરતા કહયું હતું કે અમે એક ભવ્ય ગણેશ પૂજનનું આયોજન કરી રહ્યા છીએ અને હું દિલ્હીવાસીઓ સહિત દેશના ૧૩૦ કરોડ લોકોને તેમાં સામેલ થવા આમંત્રીત કરૃં છું. આશા છે કે એક ચમત્કાર થશે અને આપણી  બધી ઇચ્છાઓ પુરી થશે કેમ કે ૧૩૦ કરોડ લોકો એક સાથે ભગવાન શ્રી ગણેશની પૂજા કરશે. અત્રે એ પણ જણાવી દઇએ કે દિલ્હી સરકારે કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીના સાર્વજનીક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકયો છે.

તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ રાજયનાં લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના વાયરસ સામે એક જોરદાર આંદોલન કરે. મુખ્યમંત્રીએ કહયું કે તેમણે ભગવાન ગણેશજીને બધી બુરાઇઓ અને નકારાત્મકતાને ખતમ કરવા માટે પ્રાર્થના કરી છે.

તેમણે કહયું, આપણે જવાબદાર નાગરીકની જેમ વર્તીને મહામારીને કાયમીપણે ખતમ કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે. છેલ્લા બે વર્ષથી અમે ઉત્સવ દરમ્યાન પ્રતિબંધો મુકવા મજબૂર બન્યા પછીએ. પણ લોકોની જીંદગી અને આરોગ્ય કોઇપણ તહેવાર કરતા વધારે અગત્યના છે. મને આત્મ વિશ્વાસ છે કે ભગવાન ગણેશજી જે વિધ્નહર્તા કહેવાય છે તેઓ આ દુષ્ટ વાયરસનો સંપૂર્ણ નાશ કરશે.

(12:57 pm IST)