Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

આજના દિવસે જ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપ્યુ હતુ ઐતિહાસીક ભાષણ

ભાષણની આજે ૧૨૮મી વર્ષગાંઠ

નવી દિલ્હીઃ આજે ૧૧ સપ્ટેમ્બર છે જે એક મહત્વપુર્ણ તારીખ છે. ૧૮૯૩માં આજની તારીખે મહાનદાર્શનિક સ્વામી વિવેકાનંદ  શિકાગોમાં એક ઐતિહાસીક ભાષણ આપ્યુ હતું જેના પર આજે પણ આપણને ગર્વ થાય છે. આજે તેમના એ ભાષણની ૧૨૮મી વર્ષગાંઠ છે. સ્વામી વિવેકાનંદ પોતાના આ ભાષણથી વિશ્વભરમાં છવાઇ ગયા હતા.

વિવેકાનંદે પોતાના ભાષણની શરૂઆત પ્રિય બહેનો અને ભાઇઓથી કરી હતી. ત્યારપછી તેમણે કહ્યું, 'આપના આ સ્નેહપુર્ણ અને જોરદાર સ્વાગતથી મારૂ હૈયુ અપાર હર્ષથી ભરાઇ ગયું છે. હું આપ સર્વેને દુનિયાની સૌથી જૂની સંત પરંપરા તરફથી આભાર પ્રગટ કરૂ છું. હું આપને બધા ધર્મોની જનની તરફથી શુભકામનાઓ આપું છું.

તેમણે કહ્યું, 'મારો આભાર એ લોકોને પણ છે જેમણે આ મંચનો ઉપયોગ કરતા કહ્યું કે દુનિયામાં સહનશીલતાનો વિચાર ભારતમાંથી ફેલાયો છે.' સ્વામી વિવેકાનંદે આગળ કહ્યું હતું કે મને ગર્વ છે કે હું એક એવા ધર્મનો છું, જેણે વિશ્વભરના લોકોને સહનશીલતા અને સ્વીકૃતિનો પાઠ શીખવ્યો છે.

શિકાગોના આ ઐતિહાસીક ભાષણમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે અમે ફકત સાર્વભૌમિક સહનશીલતામાં જ વિશ્વાસ નથી રાખતા પણ વિશ્વના બધા ધર્મોને સત્યના રૂપમાં સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ છે કે હું એક એવા દેશનો છું, જેણે એવા ઇઝરાયલીઓને શરણ આપ્યું જેમના ધર્મસ્થાને રોમનોએ તોડીને ખંડેરમાં ફેરવી નાખ્યા હતા. મને એ વાતનું ગર્વ છે કે હું જે ધર્મનો છું તેણે મહાન પારસી ધર્મના લોકોને શરણ આપ્યું અને હજુ પણ તેમને સાચવી રહ્યો છે.

તેમણે કહ્યું કે લાંબા સમયથી કટ્ટરતા, સાંપ્રદાયિકતા, હઠધર્મિતા વગેરેએ ધરતીને પોતાના સંકજામાં જકડી રાખી છે. આ બધાએ પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે. કેટલીય વાર ધરતી લોહીથી લાલ બની છે. આ ઉપરાંત કેટલીય સભ્યતાઓનો વિનાશ થયો છે અને કોણ જાણે કેટલાય દેશો નષ્ટ થયા છે.

(12:55 pm IST)