Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

આપ આપશે કોંગ્રેસને ટક્કરઃ સર્વે

ગોવામાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી બીજેપી સરકાર બનવાની આશા

પણજી તા. ૧૧ :.. ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પરત આવી શકે છે. જયારે આમ આદમી પાર્ટી (આપ) રાજયમાં મહત્વના ખેલાડી તરીકે બહાર આવી શકે છે, જે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને જોરદાર ટકકર આપશે.  ટાઇમ્સ ઓફ ઇન્ડીયાએ એબીપી-સીવોટર-આઇએનએસ બેટલ ફોર સ્ટેટસના અનુમાનોના હવાલાથી જણાવ્યું છે કે સત્તારૂઢ પક્ષ ભાજપા ગોવા, મણીપુર અને ઉતરાખંડમાં આગામી ચૂંટણીમાં આરામથી સત્તા જાળવી રાખશે.

પાંચ રાજયોની ૬૯૦ વિધાનસભા બેઠકોમાં ૮૧૦૦૬ લોકો સાથે આ સર્વે કરાયો છે. સર્વે અનુસાર, ગોવામાં ભાજપાની હિસ્સેદારી ર૦૧૭ માં ૩ર.પ ટકાથી વધીને ર૦રર માં ૩૯.૪ ટકા થવાની આશા છે. આપનો વોટ શેર ૬.૩ ટકા વધીને ર૦૧૭ ના ૧પ.૯ ટકાની સરખામણીમાં ર૦રર માં રર.ર ટકા થવાની શકયતા છે તો કોંગ્રેસનો વોટ શેર ર૦૧૭ ના ર૮.૪ ટકાથી ૧૩ ટકા ઘટીને ૧પ.૪ ટકા થવાની શકયતા છે.

સર્વે અનુસાર, ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં ભાજપાને રર થી ર૬, આપને ૪ થી ૮ અને કોંગ્રેસને ૩ થી ૭ બેઠકો મળવાની શકયતા છે. ૩૯.૪ ટકા વોટ શેર સાથે ભાજપા સત્તા પર આવે તેવી આશા છે. ગોવાના વર્તમાન મુખ્ય પ્રધાન ર૦રર ની ચૂંટણીમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે આગળ છે. સર્વે દરમ્યાન ૩૩.ર ટકા લોકોએ કહયું કે પ્રમોદ સાવંત તેમની પહેલી પસંદ છે. આ સર્વેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી પોતાનો એક પણ ઉમેદવાર જાહેર નથી કર્યો તેમ છતાં ૧૩.૮ ટકા લોકોએ કહયું કે મુખ્ય પ્રધાન પદ માટે આપનો ઉમેદવાર તેમની પહેલી પસંદ છે. સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, બીજેપી સરકારની કામગીરીથી મોટા પ્રમાણમાં લોકો સંતુષ્ઠ છે.

(12:54 pm IST)