Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અનેક રાજ્યોમાં ચિંતા : હવામાન ખાતાનો અભ્યાસ

દેશમાં ઓગસ્ટમાં બાર વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો

નવી દિલ્હી તા. ૧૧ : આ વખતે દેશમાં ચોમાસાએ રાજકારણ રમી લીધું છે અને અપેક્ષા મુજબ તેમજ અગાઉ થયેલી આગાહી મુજબ વરસાદ રહ્યો નથી અને દેશના અનેક રાજયોમાં ચિંતા ફેલાઇ છે ત્યારે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ અભ્યાસથી ચિંતા વધી ગઈ છે.

હવામાન ખાતાના સત્તાવાર અહેવાલમાં એવી જાણકારી આપવામાં આવી છે કે ઓગસ્ટ માસમાં દેશમાં બાર વર્ષનો સૌથી ઓછો વરસાદ રહ્યો છે અને ૨૪ ટકા જેટલી વરસાદની ઘટ રહી છે.અનેક રાજયોમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી.

અહેવાલમાં જણાવ્યા મુજબ ઓગસ્ટમાં તારીખ ૯ થી ૧૬ અને ઓગસ્ટ ની તારીખ ૨૩ થી ૨૭ એમ બે સ્પેલ વરસાદના ખૂબ જ નબળા પુરવાર થયા છે.

ઓગસ્ટ મહિનામાં સમગ્ર દેશમાં લોંગ પિરિયડ એવરેજ કરતા વરસાદ ખૂબ જ ઓછો રહ્યો છે. અને સમગ્ર દેશમાં વરસાદની ઘટ ૨૪ ટકા જેટલી રહી છે અને ૧૨ વર્ષમાં ઓગસ્ટ માસમાં તેને સૌથી ઓછો વરસાદ માનવામાં આવે છે અને એટલા માટે દેશમાં ચિંતાનો માહોલ છે.

આ પહેલાના હવામાન ખાતાના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૧ ના ઓગસ્ટ માસમાં વરસાદની ઘટ છેલ્લા ૧૯ વર્ષમાં સૌથી વધુ રહી છે. પરંતુ નવેસરથી અભ્યાસ કરવામાં આવ્યા બાદ હવામાન ખાતા દ્વારા પોતાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં ઓગસ્ટ માસમાં ૨૪ ટકા જેટલી વરસાદની ઘટ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ દેશમાં સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી મોન્સૂન સત્તાવાર રીતે ૧લી જૂનથી શરૂ થાય છે અને ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરું થાય છે. જૂન માસમાં ૧૦ ટકા વધુ વરસાદ રહ્યો હતો પરંતુ જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની ઘટ શરૂ થઈ ગઈ હતી.

જોકે હવે તો સપ્ટેમ્બર માસ પર સંતોષજનક વરસાદનો આધાર રહે છે અને ચાલુ માસ દરમિયાન દેશમાં કયાં કેટલો વરસાદ પડે છે તે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે કારણ કે ખેડૂત પરિવારો પણ ભારે ચિંતામાં છે અને અર્થતંત્રમાં મહત્વનું યોગદાન હંમેશા વરસાદનું રહ્યું છે માટે ઓછા વરસાદને લીધે ચિંતા ફેલાઇ છે.

(12:54 pm IST)