Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

હવે એમપીમાં ગેંગસ્ટર એકટ આવી રહ્યો છે

માફિયા રાજ ખત્મ કરવું છે : ગરીબોમાં આ સંપત્તિ વહેંચી દેવામાં આવશે : શિવરાજ મંત્રી મંડળના પ્રધાને ખળભળાટ મચાવ્યો : યોગી સરકારે ગુંડાઓ વિરૂધ્ધ ૨૦ હજાર કેસો દાખલ કરી ૧૧૨૮ કરોડની સંપત્તિ કબ્જે લીધી

ભોપાલ તા. ૧૧ : ઉત્તર પ્રદેશ પછી હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પણ ખૂંખાર ગુન્હેગારો ઉપર લગામ મુકવા માટે ગેંગસ્ટર એકટ અમલમાં લાવી રહી છે. મધ્યપ્રદેશમાં ગેંગસ્ટર એકટ લાવવા અંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, તેમનો મકસદ મધ્યપ્રદેશમાં માફિયા રાજ ખત્મ કરવાનો છે. સાથોસાથ તેમણે કહ્યું કે, ગેંગસ્ટર એકટ હેઠળ જપ્ત કરવામાં આવનાર સંપત્તિ ગરીબોમાં વ્હેંચી દેવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશમાં ગેરકાનૂની ખોદકામ અને ઝેરી શરાબથી થયેલ મૃત્યુની ઘટનાઓ ખૂબ ઝડપથી વધી રહી છે. આ ગુન્હાખોરીને ડામવા, કાબુમાં લાવવા માટે મધ્યપ્રદેશની ભાજપ સરકાર ગેંગસ્ટર એકટનું માળખું તૈયાર કરી રહેલ છે, જે ટુંક સમયમાં જ પ્રધાન મંડળ સામે રાખી, વિધાનસભામાં રજુ કરી કાનૂનનું સ્વરૂપ અપાશે.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાજીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહેલ કે, રાજ્યમાં જે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવાવાળા લોકો છે, પછી તે જમીન માફિયા હોય, ખનીજ માફિયા હોય કે શરાબ માફિયા હોય, તેમના વિરૂધ્ધ આ ગેંગસ્ટર એકટ લાવવામાં આવેલ છે. સાથે જ આ એકટ હેઠળ આ ગુંડાઓની સંપત્તિ કબ્જે કરી તેમની કેડ ભાંગી નાખી સંપત્તિને ગરીબોમાં વ્હેંચી દેવામાં આવશે.

આ ગેંગસ્ટર એકટના માળખામાં ખાસ કોર્ટોની જોગવાઇ પણ કરવામાં આવશે. જેમાં કેસો ઝડપથી ચલાવાશે, તેમણે કહેલ કે યુપીમાં અમલી ગેંગસ્ટર એકટથી મધ્યપ્રદેશનો ગેંગસ્ટર એકટ અલગ અને વધુ સખ્તાઇ ભરેલો હશે.

યોગી સરકારે ગેંગસ્ટર એકટ હેઠળ ૨૦ હજારથી વધુ ગુંડાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ૧૧૨૮ કરોડની સંપત્તિ કબ્જે કરી છે. યોગી સરકાર સવા ચાર વર્ષમાં ૩૮ ખાણ માફિયાઓ ઉપર ગેંગસ્ટર એકટ લગાવી ચૂકી છે અને ૮૦ની ધરપકડ કરી છે.

(11:47 am IST)