Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા : કેરળ - મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર

આ બે રાજ્યોમાં વધતા કેસનો ઉલ્લેખ કરતા સરકારે કહ્યું કે નિયમોમાં કોઇ છુટછાટ મળી શકે નહિ : ૨૪ કલાકમાં ૩૩,૩૭૬ નવા કેસ અને ૩૦૮ના મોત : કોરોનાનો ડરામણો ચહેરો : નવા દર્દીની સંખ્યા આજે પણ રિકવર થઇ ચુકેલાથી વધુ : ત્રીજી લહેરનું તોળાતુ જોખમ : સરકારની ચેતવણી

નવી દિલ્હી તા. ૧૧ : ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જયાં એક દિવસમાં ૪૧૫૪ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે કેરળમાં ૨૫૦૧૦ લોકો સંક્રમિત મળ્યા હતા. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે દેશમાં ત્રીજી લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં નવા નોંધાતા દૈનિક કેસના આંકડા એ વાતનો પુરાવો છે કે છૂટછાટ માટે કોઈ જગ્યા નથી.કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં વધતા કેસનો ઉલ્લેખ કરતા સરકારે કહ્યું છે કે નિયમોમાં કોઈ છૂટછાટ મળી શકે નહીં.

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે દેશમાં ત્રીજી લહેરનો અવાજ સંભળાઈ રહ્યો છે. આજે દેશમાં કોરોના વાયરસના ૩૩ હજારથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૩૩૭૬ નવા કેસ નોંધાયા અને ૩૦૮ લોકોના મોત થયા. આ સમયગાળા દરમિયાન, દેશમાં સાજા થયેલા લોકોની સંખ્યા ૩૨,૧૯૮ હતી.

સરકારની આ ચેતવણી એવા સમયે આવી છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના અને દેશમાં રસીકરણની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને 'કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ-૨' હેઠળ બાળરોગ સંભાળ અને અન્ય સુવિધાઓ માટે બેડની ક્ષમતામાં વધારાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે રાજયોને સલાહ પણ આપવામાં આવી કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વિસ્તારોમાં પ્રાથમિક સંભાળ કેન્દ્ર અને બ્લોક સ્તરના આરોગ્ય માળખાને ફરીથી તૈયાર કરે. એવી આશંકા છે કે કોરોનાની ત્રીજી લહેર ઓકટોબરમાં દસ્તક દેશે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજયોને કોરોના, મ્યુકોર્મિકોસિસ અને બાળકોના ગંભીર રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ માટે જિલ્લા સ્તરે 'બફર સ્ટોક' જાળવવા માટે કહેવામાં આવ્યું છે. કેરળ અને મહારાષ્ટ્રની સ્થિતિ દર્શાવે છે કે હાલ પણ કોરોનાને લઈને છૂટછાટ કે બેદરકારીને કોઈ જગ્યા નથી.

પીએમ મોદીએ ઓકિસજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઓકિસજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડરો અને પીએસએ પ્લાન્ટ્સ સહિત સમગ્ર સિસ્ટમને ઝડપથી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. સરકારે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક પીએસએ પ્લાન્ટ સ્થાપવાના ઉદ્દેશ સાથે ૯૬૧ લિકિવડ મેડિકલ ઓકિસજન સ્ટોરેજ ટેન્ક અને ૧,૪૫૦ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સ સ્થાપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દરેક બ્લોકમાં ઓછામાં ઓછી એક એમ્બ્યુલન્સની જોગવાઈ સુનિશ્યિત કરવા માટે એમ્બ્યુલન્સ નેટવર્કને પણ વધારવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ દેશભરમાં સ્થાપવામાં આવી રહેલા પીએસએ ઓકિસજન પ્લાન્ટની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાને દેશભરમાં પર્યાપ્ત ટેસ્ટીંગની સુવિધા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને જાહેર આરોગ્ય કેન્દ્રોમાં આરટી-પીસીઆર લેબ સ્થાપવા માટે વાત કરી.

(11:44 am IST)