Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

તમે રાખો અમારા ઉપર વિશ્વાસ : એક એકનો થશે વિકાસ

ગજબનાકનો ચૂંટણી ઢંઢેરો : વૃધ્ધોને બીડીનું બંડલ : ગામમાં એરપોર્ટ : ફ્રી બ્યુટી પાર્લર !!

નળ-જળ યોજનામાં પાણીની જગ્યાએ દૂધ : યુવાનોને બાઇક !! સાચું શું ?

પટણા તા. ૧૧ : બિહારમાં પંચાયતની ચૂંટણી નજીક છે. એવામાં ચૂંટણીના દંગલમાં ઉતરેલા સરપંચોની અજીબોગરીબ ચૂંટણીની જાહેરાતો સામે આવી રહી છે. હાલમાં જ મુઝફફરપુરની ગ્રામ પંચાયત રાજ મકસૂદાના સરપંચ પદના ઉમેદવારના ચૂંટણી ઢંઢેરાનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ચૂંટણી ઢંઢેરો વાંચતાની સાથે જ કોઈ પણ હસી પડશે. સરપંચ પદના ઉમેદવાર યુવા તુફૈલ અહમદે પોતાના ગામના લોકોને ગજબ વાયદાઓ કર્યા છે, તેનો ચૂંટણી ઢંઢેરાનો પત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

પોસ્ટરમાં સ્લોગન પણ અલગ છે. સ્લોગન છે- 'તમે રાખો અમારા પર વિશ્વાસ, એક-એકનો થશે વિકાસ' ત્યારબાદ લખ્યું છે ગ્રામ પંચાયત રાજ મકસૂદાથી સરપંચ પદના ભાવી ઉમેદવાર સુયોગ્ય, શિક્ષિત અને યુવા તુફૈલ અહમદ.

પોસ્ટરમાં સાત મુખ્ય જાહેરાત કરવામાં આવી છે. તુફૈલ અહમદે સરપંચ બનતા ગામના તમામ લોકોને સરકારી સુવિધા અપાવવાનો વાયદો કર્યો છે. બાદમાં ગામમાં એરપોર્ટની સુવિધા, યુવાનોને અપાચે બાઈક, યુવતીઓ માટે ફ્રી બ્યૂટી પાર્લર, વૃદ્ઘો માટે તંબાકૂ અને બીડીનું બંડલ ફ્રી, નળ જળ યોજનામાં પાણીની જગ્યાએ દૂધની સપ્લાઈ, ખેતરોમાં ટાઈલ્સ લગાવીને નગરીકરણ જેવી યોજનાઓ આ ચૂંટણી ઢંઢેરા પોસ્ટરમાં કરવામાં આવી છે.

જો કે આ પોસ્ટરના સંબંધમાં જયારે તુફૈલ અહમદ સાથે વાત કરવામાં આવી તો તેણે આ વાતને ફગાવી દિધી હતી. તેણે કહ્યું કોઈએ તેની સાથે મજાક કરી છે. આવું કોઈ પોસ્ટર તેણે નથી બનાવ્યું !!

(11:43 am IST)