Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

આંગળીયાત પુત્રને ભરણ પોષણ આપવા હું બંધાયેલો નથી : પતિથી અલગ રહેતી બીજી પત્નીએ પોતાના ઉપરાંત આગલા પતિના પુત્ર માટે પણ ભરણ પોષણ માંગતા ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ : 29 સપ્ટે.ના રોજ સુનાવણી

અમદાવાદ : પતિથી અલગ રહેતી બીજી પત્નીએ પોતાના ઉપરાંત આગલા પતિ દ્વારા થયેલા પુત્ર માટે પણ ભરણ પોષણ માંગતો કેસ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયો છે. જેમાં પતિએ આંગળીયાત પુત્રને ભરણ પોષણ આપવાનો ઇન્કાર કર્યો છે.અને જણાવ્યું છે કે તે મારી જવાબદારી ન ગણાય .

પતિએ આંગળીયાત પુત્રને પણ ભરણપોષણ આપવાનો ઇન્કાર કરતા તેને જેલની સજા થઇ હતી તેથી તેણે હાઈકૉર્ટનું શરણ લીધું હતું. જેમાં  પતિ તરફથી એવી રજૂઆત કરાઈ છે કે જે દીકરાએ ભરણપોષણ માગ્યું છે તેનો હું બાયોલોજિકલ પિતા નથી. મારી બીજી પત્નીના પ્રથમ પતિનો દીકરો છે, તેનું ભરણપોષણ કરવા હું જવાબદાર નથી. કોર્ટે એ અંગે પુરાવા સાથે સોગંદનામું કરવા આદેશ કર્યો છે, જેની સુનાવણી 29મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

અમદાવાદમાં કાપડની દુકાનના વેપારીએ 1995માં બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીને પ્રથમ પતિનો એક દીકરો હતો. આંગળિયાત આવેલા દીકરાને પણ વેપારીએ પત્નીની સાથે અપનાવ્યો હતો. લગ્નનાં થોડાં વર્ષો પછી પત્ની તેના પતિ પાસેથી પૈસા લઈને પોતાના પિયરમાં આપતી હોવાના મામલે ઝઘડા શરૂ થયા હતા.જેના પરિણામે પત્ની પતિથી અલગ રહેતી હતી.જેને પતિ દ્વારા માસિક 25 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચુકવાતા હતા .અને હવે તેણે આગલા ઘરના પુત્ર માટે પણ ભરણ પોષણ માંગતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:44 am IST)