Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કોરોના હજુ પણ ખતરનાક સ્વરૂપે પ્રસરેલો છે

દેશના ૩૫ જિલ્લામાં કોરોના સંક્રમણનો દર ૧૦ ટકાથી વધુ અને ૩૦ જિલ્લામાં ૫ થી ૧૦ ટકા વચ્ચે આજે પણ રહેલો છે

નવી દિલ્હી,તા. ૧૧: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દવાઓથી માંડી રાજ્યોને વિવિધ નિર્દેશો આપ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેષ ભૂષણે કહ્યું હતુ કે દેશના ૩૫ જિલ્લામાં હજુ પણ કોરોના સંક્રમણનો દર ૧૦ % થી વધુ સતત રહ્યો છે.

કેરળ પછી મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે નરેન્દ્રભાઇએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોના મહામારી સ્થિતી અંગે ચર્ચા કરેલ. દેશમાં ૭૩ કરોડથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂકયું છે. નરેન્દ્રભાઇએ રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં દવાઓને બફર સ્ટોક રાખવા કહ્યું હતું.

આગામી કેટલાક મહિનાઓ માટે વેકસીનનું ઉત્પાદન આપૂર્તિ અને દવાઓની સ્થિતીની સમીક્ષા તેઓશ્રીએ કરી હતી.

પીએમ મોદીએ કોરોના મ્યુટન્ટ ઉપર નજર રાખવા માટે સતત જિનોમ અનુક્રમણની આવશ્યક અંગે કહ્યું હતું.

શ્રી રાજેશ ભૂષણે કહેલ કે ૩૦ જિલ્લામાં કોરોના સંક્રમણ દર ૫ થી ૧૦ ટકા વચ્ચે છે. દેશોમાં રસીકરણ ૭૩ કરોડને પાર કરી ગયેલ છે.છેલ્લા થોડા મહિનામાં ભારતે દેશભરની હોસ્પિટલોમાં વધારાની પથારીઓની વ્યવસ્થા કરી છે.ગઇ કાલે ૧૯ ટકા કોરોના કેસમાં ઘટાડો નોંધાયેલ. ૧૦૦ થી વધુ ઓકિસજન ટેન્કરોની આયાત પણ કરી છે. કુલ સંખ્યા ૧૨૫૦ થઇ છે. ઉપરાંત દેશમાં  ૧,૬૦૦ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા મંજૂરી અપાયેલ છે. ગયા મહિને જ ૩૯૦ પ્લાન્ટ સ્થપાઇ ચુકયા છે.

કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નાના બાળકો કોઇ પણ નવા કોરોના વાયરસની ઝપટમાં આવી શકે છે. મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં રેમડેસિવર જેવી એન્ટી વાયરલ દવાઓનો સ્ટોક કરવામાં લાગી પડ્યા છે.

(10:17 am IST)