Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

૮ કરોડ અમેરિકનોએ વેકસીન લીધી નથી

રાષ્ટ્રજોગા પ્રવચનમાં જો બાયડને કોરોનાના ફૂંફાડાને ડામવા નવા આકરા પગલા સાથે ૬ સૂત્રી કાર્યક્રમ જાહેર કર્યો : ૨૫ ટકા અમેરિકનોએ વેકસીન નથી લીધી : વેકસીન અને માસ્ક ઉપર ભાર મૂકયો : રોજ સરેરાશ દોઢ લાખને કોરોના વળગે છે અને ૧૫૦૦ના જીવ જાય છે : કોરોના તાંડવને કાબુમાં લેતા સમય લાગશે : ઉનાળા સુધીમાં કોરોનામુકિતનું વચન

ન્યૂયોર્ક તા. ૧૧ : અમેરિકામાં હાલમાં ફાટી નિકળેલ મહાભયંકર કોરોના જુવાળ અંગે અમેરિકાના પ્રમુખ જો બાયડને વેકસીન નહિ મૂકાવેલ મોટી સંખ્યાના અમેરિકનો ઉપર દોષનો ટોપલો ઢોળતા જણાવેલ કે તેમને લીધે કોરોનાનો જુવાળ રોકવામાં મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. લાખો કર્મચારીઓને કોરોના વેકસીન લગાવવા માટે કેટલાક દંડાત્મક પગલાઓ સાથે આ બાબતે નવી આકરી જોગવાઇઓ આવી રહ્યાના નિર્દેશ જો બાયડને આપ્યા હતા. બાયડન તંત્ર ભયાનક ઝડપે વધી રહેલા કોરોના કેસો ડામવા અથાગ પ્રયાસો કરી રહેલ છે.

બાયડન તંત્રે દેશની વિશાળ પ્રજાને વેકસીન આપવામાં સફળતા તો મેળવી છે પણ વાસ્તવિકતા એ છે કે અમેરિકાના ૮ કરોડ વેકસીન લેવા પાત્ર લોકોએ (૨૫% અમેરિકનોને) હજુ વેકસીન લીધી નથી, જેને લીધે કોરોનાને કાબુમાં લેવામાં અડચણો સર્જાઇ છે.

વિશ્વભરમાં અમેરિકા સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત દેશ છે જ્યાં દરરોજ સરેરાશ ૧,૫૧,૦૦૦ લાખ લોકોને કાળમુખો કોરોના વળગે છે. જહોન હોપકીન્સ ઇન્સ્ટીટયૂટના આંકડા મુજબ દરરોજ સરેરાશ ૧૫૦૦ અમેરિકનોનો જીવ કોરોના લઇ લ્યે છે.

વ્હાઇટ હાઉસ ખાતેથી દેશવાસીઓને સંબોધતા જો બાયડને કહેલ કે, કોરોનાના જુવાળને આપણે ચોક્કસ પણે કાબુમાં લઇ લેશું.

બાયડને કહેલ કે કોરોના વેકસીન અસરકારક, આડઅસર વિનાની અને મફતમાં અપાય છે તો પણ ૮૦ મીલીયન (૮ કરોડ) અમેરિકનોએ હજુ વેકસીન લીધી નથી તેનાથી અમે ખૂબ હતાશ થયા છીએ. આ મહામારીના તાંડવને કાબુમાં લેતા થોડો વધુ સમય લાગશે અને તે માટે સખ્ત કામ કરવું પડશે.

અમેરિકી પ્રમુખે ઉનાળા સુધીમાં કોરોનાથી મુકિત માટે વચન આપેલ પરંતુ કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ આ મહામારીને ભારે પ્રસરાવી રહેલ છે.

બાયડને કોરોનાને ડામવા ૬ સૂત્રી પ્લાન ઘડી કાઢેલ છે જેથી વધુને વધુ લોકોને વેકસીન આપી શકાય, સ્કુલો ફરી ખોલી શકાય, ટેસ્ટીંગ વધારવામાં આવે, દર્દીઓની સારસંભાળ વધુ સારી રીતે લેવાય અને અર્થતંત્રને પુનઃ ધબકતુ કરી શકાય. તેઓ ટેસ્ટીંગ અને માસ્ક પહેરવા ઉપર વધુ ભાર આપી રહ્યા છે. તમામ સરકારી બિલ્ડીંગો માટે જો બાયડને માસ્ક ફરજીયાત કરેલ છે. જેમણે માસ્ક નહિ પહેરેલ હોય તેવા મુસાફરો ઉપર બમણો દંડ ઝીંકાશે. તેમણે કહેલ કે, યુરોપ, ચીન, રશિયા સહિતના ૯૦ દેશોને લગભગ ૧૪ કરોડ કોરોના વેકસીનના ડોઝ ડોનેટ કરવામાં આવ્યાનું પણ કહેલ. અને હવે બીજા તબક્કામાં આ મહિને ૧૦૦ ગરીબ દેશો માટે ૫૦ કરોડ ફાઇઝર વેકસીનનો જથ્થો અમે મોકલી રહ્યા છીએ તેમ બાયડને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું હતું.

(10:15 am IST)