Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

બાલ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરી સોનિયા ગાંધીને પ્રશ્ન કર્યો

કંગના રાનૌત-મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ : કંગના રનૌતે સોનિયા ગાંધીને પણ નિશાના ઉપર લીધા પૂછ્યું એક સ્ત્રી થઈને આ બધું જોઈ તમને દુઃખ નથી થતું

મુંબઈ,તા.૧૧ : કંગના રાનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેના વિવાદ ખૂબ જોર પકડી ચૂક્યો છે. બીએમસીએ કંગનાની ઓફિસ તોડ્યા બાદથી તે ખૂબ નારાજ છે. તે અંગે સતત ટ્વીટ કરી રહી છે. હવે તેણે બાલ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું કે મહાન બાલ ઠાકરે મારા પ્રિય આઇકોન રહ્યા છે. સાથે તેણે સોનિયા ગાંધી માટે પણ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે બધું જોઈને તેમને તકલીફ નથી થતી? કંગનાએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે, મહાન બાલ ઠાકરે મારા પ્રિય આદર્શમાંથી એક હતા. તેનો સૌથી મોટો ડર હતો કે શિવસેના કોઈ દિવસ ગઠબંધન કરશે અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માંગુ છું કે તેઓ તેમની પાર્ટીની સ્થિતિ જોઇને આજે તેમને કેવું લાગતું હશે? વીડિયો ત્યારે પણ ખૂબ વાયરલ થયો હતો જ્યારે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરીને સરકાર બનાવીને મહારાષ્ટ્રમાં ભાજપનો સાથ છોડી દીધો હતો.

         એટલું નહીં, કંગનાએ સોનિયા ગાંધી માટે પણ ટ્વીટ કર્યું છે તેણે લખ્યું કે એક મહિલા તરીકે તેમને તકલીફ નથી થતી કે મહારાષ્ટ્ર સરકાર મારી સાથે રીતે વર્તન કરી રહી છે? કંગનાએ પૂછ્યું, શું તમે તમારા પક્ષને ડો.આંબેડકર દ્વારા આપેલા બંધારણના સિદ્ધાંતોનું પાલન કરવાનું કહી શકતા નથી. બીએમસીએ કંગનાની મુંબઇ ઓફિસમાં ગેરકાયદે બાંધકામ જણાવીને તોડફોડ કરી હતી. પછી કંગના ખૂબ નારાજ છે. ગુસ્સે થઈને તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વીડિયો ટ્વીટ કર્યો. જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેને આકરી ભાષામાં સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારું અભિમાન તૂટશે. પછી સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ખોટી ભાષાના ઉપયોગ માટે કંગના સામે કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે.

(7:45 pm IST)