Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના એન્ટીજન ટેસ્ટ શંકાસ્પદ : રેપીડ ટેસ્ટમાં નેગેટિવ મળેલા લોકોની ફરીથી કરાશે તપાસ : હવે RT-PCR ટેસ્ટ કરવા કેન્દ્રનો આદેશ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસો (Corona Positive Case) નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા એક દિવસમાં 96 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, Covid-19ના લક્ષણો ધરાવતા જેટલા પર દર્દીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમનો ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવે. જેથી કરીને કોરોના વાઈરસથી સંક્રમિત દરેક વ્યક્તિની ઓળખ થઈ શકે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે યોગ્ય પગલા લઈ શકાય.

આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT)માં સંક્રમણમુક્ત મળી આવેલા લક્ષણો ધરાવતા તમામ કેસો અને RATમાં જ નેગેટિવ મળી આવેલા સંક્રમણ વિનાના કેસ જેમાં તપાસના બે-ત્રણ દિવસ બાદ લક્ષણો જોવા મળે છે. આથી તેમને RT-PCR મારફતે ફરીથી તપાસ કરાવવી જરૂરી થઈ જાય છે.

મંત્રાલયે કહ્યું કે, તેનાથી જે કેસોમાં સંક્રમણ મુક્ત હોવાનો ખોટો રિપોર્ટ છે તેમને સમયસર જાણ થવાથી આઈસોલેટ કરી શકાય. આ સાથે જરૂરી હોય તો હોસ્પિટલમાં એડમીટ પણ કરી શકાય.

આ રાજ્યોમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ
સરકારનો આ આદેશ એવા સમયે આવ્યો છે. જ્યારે અંદાજે 60 ટકા નવા કેસો દેશના માત્ર 4 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. ગુરુવારે મહારાષ્ટ્રમાંથી 23,446 નવા કેસો સામે આવવા સાથે જ અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 9,90,795 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 28,282 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

આ સિવાય દિલ્હીમાં ગુરુવારે એક જ દિવસમાં 4,308 કોરોનાના નવા કેસો નોંધાયા છે. આમ દિલ્હીમાં નવા કેસ ઉમેરાવા સાથે જ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,05,482 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી કુલ 4,666 લોકોના મરણ નોંધાયા છે.

આજ પ્રમાણે આંધ્ર પ્રદેશમાં ગુરુવારે કોરોનાના 10,175 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.37 લાખ પર પહોંચી ચૂકી છે. આ સિવાય તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

(6:07 pm IST)