Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોનાને કારણે ૪૭% નોકરિયાત મહિલાઓમાં ડિપ્રેશન વધ્યુ !

મહામારીને લીધે તેઓ વધુ પડતુ પ્રેશર અને તણાવ અનુભવી રહી છેઃ પુરૂષો માટે આ આંકડો ઓછો છે

નવી દિલ્હી, તા.૧૧: ભારતમાં આશરે ૫૦ ટકા વર્કિંગ મહિલાઓ કોરોના મહામારીને લીધે વધુ પડતા ડિપ્રેશનનો ભોગ બની રહી છે. એક સોશિયલ મીડિયા વેબસાઈટે પોતાના સર્વે આધારે જણાવ્યુ છે કે, આ મહામારીને કારણે દેશની વર્કિંગ મહિલાઓ ભાવનાત્મક રૂપે પ્રભાવિત થઈ રહી છે. સર્વેમાં સામેલ ૪૭ ટકા મહિલાઓએ જણાવ્યુ છે કે, મહામારીને લીધે તેઓ વધુ પડતુ પ્રેશર અને તણાવ અનુભવી રહી છે. પુરૂષો માટે આ આંકડો ઓછો છે. ૩૮ ટકા વર્કિંગ પુરૂષોએ માન્યુ છે કે, મહામારીને લીધે તેમના પર પ્રેશર વધ્યુ છે. ૨૭ જુલાઈથી ૨૩ ઓગસ્ટ દરમિયાન ૨૨૫૪ નોકરિયાત લોકોને સામેલ કર્યા છે. જેમાં દેશની નોકરિયાત મહિલાઓ અને માતાઓ પર મહામારીની અસરનુ આંકલન કરવામાં આવ્યુ હતું. સર્વે કહે છે કે રોગચાળાને લીધે બાળકોની સંભાળને લગતા પડકારો પડ્યા છે. સર્વેમાં જણાવ્યુ છે કે, દેશનો એકંદરે વિશ્વાસ ધીરે ધીરે વધી રહ્યો છે. ઘરેથી કામ એટલે વર્ક ફ્રોમ હોમના કારણે માતાની સમસ્યાઓ વધી છે. હાલમાં ત્રણમાંથી એક મહિલા (૩૧ ટકા) સંપૂર્ણ સમય બાળકોની સંભાળ પાછળ ખર્ચે છે. જયારે પાંચમાંથી એક જ એટલે કે ૧૭ ટકા પુરૂષો સંપૂર્ણ સમય બાળકોની સંભાળ રાખે છે. સર્વેમાં જણાવાયું છે કે, પાંચમાંથી બે અર્થાત ૪૪ ટકા મહિલાઓએ બાળકોની સંભાળ રાખવા માટે તેમના કામના કલાકોથી વધુ કામ કરવું પડે છે. ૨૫ ટકા પુરૂષોએ બાળકોની સંભાળ માટે વધુ કામ કરવુ પડે છે. લોકો જે ફીલાન્સર્સ તરીકે કામ કરે છે, તે ૨૫% લોકોએ જણાવ્યું હતું કે, તેઓને આવકમાં વધારો થવાની અપેક્ષા છે.

(3:59 pm IST)