Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

એ...હાલો...બકાલુ...ના અવાજ ધીમા પડયાઃ લોકો વળ્યા પનીર-બ્રેડ તરફ

ભારે વરસાદ અને કોરોના મહામારીના કારણે શાકભાજીની આવક ઘટી-ભાવ વધ્યાઃ ગૃહિણીઓએ લીલોતરીના બદલે બીજો રસ્તો અપનાવ્યો

રાજકોટ તા. ૧૧ : ચોમાસાના પ્રારંભથી જ આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મેઘરાજા વધુ પડતા મહેરબાન થઇ ગયા હોય તેમ જરૂરિયાત કરતા પણ વધુ વરસાદ પડી ગયો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું હતું.

અવિરત મેઘ મહેરના કારણે વાડી-ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા હતા. ૧૩ દિવસ પહેલા ગયા સોમવારે વરસાદ વિરામ લીધા બાદ અને સૂર્યનારાયણે ઘણા દિવસો પછી દર્શન દીધા બાદ ખેડૂતો વાડી-ખેતરોમાં જઇ શકયા હતા. પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબજ વિકટ હતી. કારણ કે સતત વરસાદથી અનેક જગ્યાએ પાક નિષ્ફળ ગયો છે.

ભારે વરસાદના કારણે ગૃહિણીઓને વધુ અસર પડી છે કારણ કે વરસાદ અને કોરોના મહામારીના કારણે લીલા શાકભાજીની આવક ઘટી છે અને તેના કારણે ભાવ પણ વધ્યા છે. જેના કારણે બજેટ વિખેરાઇ ગયું છે.

બટાટાના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. જેના કારણે રસોડામાં લીલોતરી શાકભાજી દેખાતા બંધ થયા છે.

ગૃહિણીઓએ પણ લીલોતરી શાકભાજીના બદલે રસોઇમાં પનીરની વાનગીઓ, બ્રેડની વાનગીઓ તથા કઠોળની જુદી-જુદી વાનગીઓ બનાવીને લીલોતરી શાકભાજીની જગ્યાએ બીજો રસ્તો અપનાવ્યો છે.જયારથી વધુ વરસાદ વરસવાનું શરૂ થયું ત્યારથી  શાક માર્કેટોમાં પણ શાકભાજીની અછત જોવા મળી રહી છે. અને જો શાકભાજી હોય તો પણ તેના ભાવ આસમાને પહોંચી ગયા છે.

આ ઉપરાંત શેરીઓના શાકભાજીનુ વેંચાણ કરવા નીકળતા શાકભાજીના ફેરિયાઓ પણ હવે ઓછા દેખાય રહ્યા છે. જેના કારણે શાકભાજીનું વેંચાણ કરવા નીકળતા ફેરિયાઓના અવાજ પણ સંાભળવા મળતા નથી.  જાહેર માર્ગો ઉપર કે ચોકમાં શાકભાજીનું વેંચાણ કરીને ગુજરાન ચલાવનારાની સંખ્યા પણ ઓછી જોવા મળે છે.આવા નાના વેપારીઓની લારીઓમાં શાકભાજી પણ ઓછુ જોવા મળી રહ્યું છે.

ર રૂપિયાનું એક લીલુ મરચુઃ દુધીનાં રૂ.ર૦: શાકભાજીનો ભાવ રૂ.ર૦૦ નજીક

રાજકોટ તા. ૧૧ : લીલોતરી શાકભાજીના ભાવમાં ભારે વધારો થતા ગૃહિણીઓનું બજેટ વિખેરાઇ ગયું છે. હાલમાં લીલોતરી શાકભાજી જોવા પણ ઓછા મળે છે અને ભાવ પણ ખૂબજ વધારે છે. ત્યારે લીલા મરચા રૂ.ર૦૦ ના કિલોના ભાવથી વેંચાઇ રહ્યા છે. આવી રીતે જોઇએ તો એક કિલોમાં ૧૦૦ નંગ જેટલા મરચા આવે છે. જેથી એક મરચુ રૂ.રના ભાવથી ગ્રાહકોને પડે છે.જયારે દુધી પહેલા રૂ.પમાં એક નંગ મળતી હતી જેના ભાવ ઉંચકાતા હવે એક દુધીનો ભાવ રૂ.ર૦ થયો છે.હાલમાંશાકભાજીના કિલોના ભાવ રૂ.૧પ૦ થી માંડીને રૂ.ર૦૦ આસપાસ બોલાય છે.દરરોજ ભોજનમાં ઉપયોગમાં લેવાતા બટાટાના ભાવ પણ કિલોના રૂ. ૩૦ થી ૪૦ થઇ ગયા છે.

(3:28 pm IST)