Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભારત-ચીનનો નવો વીડિયો આવ્યો સામેઃ બંને દેશના સૈનિકો ડંડા, લાત-મુક્કાથી કરી રહ્યા હતા હુમલો

આ વીડિયો ચીનના સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૧૧: પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર છેલ્લા ચાર મહિનાથી ભારત અને ચીનના સૈનિકો સામસામે ઊભા છે. બંને દેશ વચ્ચે તણાવ ઓછો થાય તે માટે સતત વાતચીત ચાલી રહી છે. જોકે, વાતચીતનું કોઈ સારું પરિણામ આવી રહ્યું હોય તેવું નથી લાગી રહ્યું. આથી સરહદ પર યુદ્ઘ જેવો માહોલ છે. આ દરમિયાન ચીનના મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. આ વીડિયો કયારનો છે તે મામલે હાલ કોઈ માહિતી મળી શકી નથી.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ તરફથી આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. એક મિનિટ અને ૫૯ સેકન્ડનો આ બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને દેશના સૈનિકો એકબીજા પર દંડા અને લાતો-મુક્કાથી થી હુમલો કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્યર્ષણ થયું હતું તે જગ્યા ગલવાન ખીણ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતના અમુક સૈનિકોના હાથમાં રાઇફલ પણ છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ નથી કરી રહ્યા. ચીનના સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ વીડિયો થોડા સમય પહેલાનો છે.

નોંધનીય છે કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘર્ષણમાં ચીનના ૫૯ સૈનિક ખુંવાર થયા છે. આ ઘર્ષણ ગલવાન નદી પાસે થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે નદીનું પાણી ખૂબ ઠંડું હતું. આથી પાણીમાં પડી જવાથી પણ અમુક સૈનિકનાં મોત થયા હતા. આ ઘટના બાદ પીએમ મોદીએ ત્રીજી જુલાઈના રોજ લેહનો પ્રવાસ કર્યો હતો અને સૈનિકો સાથે મુલાકાત કરી હતી.

(3:28 pm IST)