Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોનાકાળથી ઉગરવા ભારતમાં વધુ એક આર્થિક બૂસ્ટર ડોઝની જરૂરઃ IMF

આરોગ્ય, અનાજ અને ગરીબોને આવક વધારવા માટે વધુ એક સ્ટીમ્યુલસ નાણાકીય પેકેજની જરૂર પડશે

નવી દિલ્હી, તા.૧૧: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારતને વધુ એક સ્ટિમ્યુલસ નાણાકીય પેકેજની જરૂર છે તેમ આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે. ખાસ કરીને આરોગ્ય, અનાજ અને ગરીબોને આવક વધારવા માટે વધુ એક સ્ટીમ્યુલસ નાણાકીય પેકેજની જરૂર પડશે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)ના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ગેરી રાઇસે પત્રકારોને જણાવ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કોરોના સામે લડવા માટે ભારત સરકારના સ્ટીમ્યુલસ સહિતના પગલાઓને યોગ્ય ઠેરવ્યા છે.

જો કે રાઇસે વધુમાં જણાવ્યું છે કે ભારતને વધુ ફિસ્કલ સ્ટિમ્યુલસની જરૂર છે. ખાસ કરીને આરોગ્ય, અનાજ અને ગરીબોને આવક વધારવા માટે વધુ એક સ્ટીમ્યુલસ નાણાકીય પેકેજની જરૂર પડશે.

રાઇસના મતે ટૂંકા ગાળામાં ક્રેડીબલ મીડિયમ ટર્મ ફિસ્કલ કોન્સોલિડેશન પ્લાન પણ જરૂરી છે. અમને આશા છે કે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજથી બજારનો વિશ્વાસ વધશે. જેના કારણે ધિરાણની પડતર દ્યટાડવામાં મદદ મળશે.

ભારતના વિકાસ પર કોરોનામહામારીની મોટા પ્રમાણમાં વિપરિત અસર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા પછી ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો છે. અમેરિકામાં કોરોનાના ૬૪ લાખ કેસો છે જયારે ભારતમાં પણ કોરોનાના કેસો ૪૨ લાખને પાર કરી ગયા છે. અમેરિકામાં કોરોનાને કારણે કુલ ૧,૯૩,૨૫૦ લોકોના મોત થયા છે જયારે ભારતમાં ૭૦,૦૦૦થી વધુ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ભારતના જીડીપીમાં લગભગ ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં આઇએમએફએ અંદાજ મૂકયો હતો કે ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી માઇનસ ૪.૫ ટકા અને ૨૦૨૧-૨૨માં ૬ ટકા રહેશે.

(3:27 pm IST)