Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર સ્ટે આપતા પાટીદારોને અનામતનો છેદ ઉડી ગયો !

સુપ્રીમ કોર્ટની અનામત મામલે મહત્વની ટીપ્પણી : રાજ્યોને આપ્યો આકરો સંદેશ : અદાલતે ૫૦ ટકાથી વધુ અનામતને ઉચિત ન ગણ્યું : સુપ્રીમ કોર્ટની ટીપ્પણીથી અનેક રાજ્યોનું ટેન્શન વધ્યું : ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ વાગ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ સરકારની ચિંતામાં વધારો : પાટીદાર, જાટ સમાજ વગેરેની અનામત સંકટમાં હોવાનો નિર્દેશ : ઇડબલ્યુએસ અનામત રદ્દ થાય તો આગામી સમયમાં આંદોલનો ફરી શરૂ થાય તેવા એંધાણ

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટ અનામત મામલે અનેક વખત મહત્વની ટીપ્પણીઓ કરી ચૂકેલ છે. ગઇકાલે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર સુનાવણી દરમિયાન અનામત પર રાજ્યોને એક આકરો સંદેશ પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાથી વધુ અનામતને ઉચીત નહિ ગણાવતા રાજ્યોને તેમની સીમાઓની પણ યાદ અપાવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે મરાઠા આરક્ષણ પર વચગાળાની સ્ટે મૂકયો હતો અને મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વેશન ફોર સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કલાસીસ (એસઇબીસી) એકટને પડકારતી અરજીઓને મોટી બેંચને સોંપી દીધી હતી. સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો આમ તો મરાઠા અનામતને લઇને હતો પરંતુ આ આદેશ બાદ હવે એ રાજ્યો માટે ટેન્શન વધી ગયું છે જેઓ ૫૦ ટકાથી વધુ અનામત આપી ચૂકયા છે. ૧૯૯૧માં સરકાર વિરૂધ્ધ ઇન્દીરા શાહની કેસની સુનાવણી દરમિયાન ૧૧ જજોની બેંચે સ્પષ્ટ કર્યું હતું કે કોઇપણ ભોગે ૫૦ ટકા અનામતથી વધુ આપી ન શકાય આમ છતાં અનેક રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના સ્ટેથી ગુજરાત સરકારનું ટેન્શન વધી ગયું છે કારણ કે આ પછી હવે પાટીદાર અનામત પણ માન્ય ગણાશે નહિ.

કેન્દ્ર સરકારે બંધારણમાં ફેરફાર કરી આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત આપી હતી. આ પહેલા જ તામિલનાડુમાં સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં ૬૯ ટકા અનામત આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જ્યારે મામલો ગયો હતો ત્યારે તામિલનાડુએ કહ્યું હતું કે રાજ્યની ૮૭ ટકા વસ્તી પછાત વર્ગની છે. હરિયાણા વિધાનસભામાં જાટની સાથે ૯ અન્ય સમુદાયોને ૧૦ ટકા અનામત આપવામાં આવી હતી. આનાથી રાજ્યમાં કુલ ૬૭ ટકા થઇ ગયું હતું. સુપ્રીમ કોર્ટના મરાઠા અનામત રદ્દ કરવાના આદેશ પહેલા સુધી મહારાષ્ટ્ર ૬૫ ટકા સાથે યાદીમાં ત્રીજા ક્રમે હતું. તેલંગાણા, આંધ્ર અને રાજધાનમાં ૬૨, ૫૫, અને ૫૪ ટકા અનામત છે. આ પ્રકારે ૭ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત આપવામાં આવ્યું તે પહેલાથી લાગુ હતું તો ૧૦ રાજ્યોમાં ૩૦ થી ૫૦ ટકા સુધી અનામત લાગુ હતું.

મહારાષ્ટ્રમાં અનામતને લઇને એક દાયકાથી લઇને માંગ થતી હતી. ૨૦૧૮માં રાજ્ય સરકારે કાયદો બનાવી ૧૬ ટકા અનામત આપી હતી. જુન ૨૦૧૯માં બોમ્બે હાઇકોર્ટે તેને ઘટાડી શિક્ષણમાં ૧૨ ટકા અને નોકરીઓમાં ૧૩ ટકા અનામત ફિકસ કર્યું હતું. હાઇકોર્ટે કહ્યું હતું કે, અપવાદ તરીકે રાજ્યમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી ૫૦ ટકાની સીમા પાર થઇ શકે છે. તે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સ્ટે આવ્યો હતો.

૧૯૯૧માં નરસિહ રાવના નેતૃત્વવાળી સરકારે આર્થિક આધારે સામાન્ય શ્રેણી માટે ૧૦ ટકા અનામતનો આદેશ જારી કર્યો હતો. જેને ઇન્દિરા સહાનીએ પડકાર્યો હતો. હવે ગઇકાલે મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૮ના કાનૂન પર અમલ ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકયો છે. કોર્ટે જોકે કહ્યું છે કે જે લોકોને લાભ મળી ગયો છે તેઓને પરેશાની નહિ થાય.

સુપ્રીમ કોર્ટની બેંચે એવી ટીપ્પણી કરી છે કે એક સમુદાયનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક પછાતપણુ અને તેમના સાર્વજનિક સેવાઓમાં તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવું અને સમુદાયને અનામતના લાભને ઘટાડવો એવી અસાધારણ સ્થિતિ નથી જે માટે અનામતની સીમા ૫૦ ટકાથી વધારવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, મરાઠા કુલ વસ્તીના ૩૦ ટકા છે તેથી તેની સ્થિતિની તુલના મહારાષ્ટ્રમાં સમાજના નબળા વર્ગ સાથે કરી ન શકાય.

ગુજરાતમાં અગામી સમયમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર માટે ચિંતામાં થઇ વધારો શકે છે. કેન્દ્ર સરકારે પાટીદાર, જાટ વગેરે સમાજના આંદોલનોને શાંત પાડવા માટે EWS અનામત આપી છે. EWS અનામત રદ થાય તો આગમી સમયમાં  આંદોલનો પાછાં શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. મરાઠા મામલે ચૂકાદો વિરોધમાં જાય તો પાટીદારોને પણ અનામત મળવાની કોઈ સંભાવના નથી.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને ૧૩ ટકા અનામત સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતુ કે, અનામતનું પ્રમાણ કોઈ પણ સંજોગોમાં ૫૦ ટકાથી વધવું ના જોઈએ. મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક રીતે પછાતમાં ગણીને ૧૩ ટકા અનામત અપાયું હતુ. મરાઠા સમુદાય ને ૧૩ ટકા અનામત અપાતા અનામતનું પ્રમાણ ૬૨ ટકાએ પહોચ્યું હતું.

અનામતનું પ્રમાણ ૬૨ ટકાની આસપાસ થઈ જતાં મરાઠા અનામતને SCમાં પડકારાઈ હતી. SCએ દલીલને માન્ય રાખીને મરાઠા અનામત પર સ્ટે આપ્યો છે. SCના આ ચુકાદાથી EWS માટે કરેલી ૧૦ ટકા અનામત પણ ગેરકાયદેસર ઠરી શકે છે. ગુજરાતમાં પણ EWSને  લાભ આપી પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં પણ ૨૦૧૫માં પાટીદાર આંદોલન થયું હતુ જેને પરિણામે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુરશી છોડવાનો વારો આવ્યો હતો ત્યારે ફરીથી ચુંટણી પહેલા પાટીદાર અનામતનું ભૂત ધુણશે તો ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઈ જશે.

(3:20 pm IST)