Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભારત માટે રાહતના સમાચાર

અરે વાહ... ૧ માસમાં સાજા થવાની સંખ્યા ૧૦૦% વધી

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના સામે લડવામાં દેશ અને દુનિયાને આજે ઘણો સમય થઇ ગયો છે. આ વાયરસના લીધે લાખો લોકોના જીવ ગયા છે પણ ભારત રિકવરી બાબતે હજુ પણ સારી સ્થિતિમાં છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પડાયેલ માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-૧૯થી સાજા થનારાઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૯ દિવસોમાં સાજા થયેલા દર્દીઓમાં ૧૦૦થી વધુ વધારો થયો છે જે દેશ માટે એક મોટી રાહત સમાન છે.

ગુરૂવારે ભારતમાં કોરોના વાયરસના ૯૫૭૩૫ નવા કેસો જાહેર થયા છે જેના લીધે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૪૬૫૮૬૩ થઇ છે. કુલ સક્રિય કેસો ૯,૧૯,૦૧૮ છે. જ્યારે હોસ્પિટલોમાંથી રજા મેળવનાર દર્દીઓની સંખ્યા ૩૪,૭૧,૭૮૩ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવારે કોરોનાથી ૧૧૭૨ દર્દીઓના મોત થયા છે જેનાથી કુલ મોતનો આંકડો ૭૫૦૬૨ થયો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો રોજના એક લાખ નજીક પહોંચવા આવ્યો છે જે ચિંતાનો વિષય છે.

તો એસ્ટ્રેજેનીકા દ્વારા ઓકસફર્ડની કોરોના રસીની ટ્રાયલ પર રોક લગાવ્યા પછી હવે ભારતમાં પણ આ દવાને તૈયાર કરી રહેલી સીરમ ઇન્સ્ટીટયૂટે તેની ટ્રાયલ હાલ પૂરતી રોકવાની જાહેરાત કરી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) તરફથી કારણદર્શક નોટીસ મળ્યાના એક દિવસ પછી સીરમ ઇન્સ્ટીટયૂટે કહ્યું કે તે દેશમાં રસીની ટ્રાયલ રોકી રહી છે. સીરમ ઇન્સ્ટીટયૂટ ભારતમાં ઓકસફર્ડ યુનિવર્સિટીની કોવિશીલ્ડ રસીને બ્રિટનની એસ્ટ્રેજેનિકા સાથે મળીને તૈયાર કરી રહી છે.

(12:49 pm IST)