Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના મહામારીને કારણે

વિશ્વમાં વધશે ગરીબી - ભુખમરો - સંઘર્ષ

વોશિંગ્ટન તા. ૧૧ : વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ગુરૂવારે ૨.૮૦ કરોડની પાર પહોંચી ગયો છે. જ્યારે મરનારાઓની સંખ્યા ૯.૦૮ લાખથી વધારે થઇ ગઇ છે. લેટિન અમેરિકન દેશોમાં આ મહામારીની સૌથી ખરાબ અસર વચ્ચે સંયુકત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આ મહામારીએ ભેદભાવ અને અન્ય માનવાધિકાર ઉલ્લંઘનોને વધારી દીધા છે. પરિણામે, દુનિયામાં ગરીબી, ભૂખમરો અને સંઘર્ષ વધવાની આશંકા છે.

સંયુકત રાષ્ટ્રના રાજકીય પ્રમુખ રોજમેરી ડીકાર્લો અને સંયુકત રાષ્ટ્ર માનવીય બાબતોના પ્રમુખ માર્ક લોકોકે સુરક્ષા પરિષદ સમક્ષ મહામારીની વૈશ્વિક અસરની ગંભીર સમસ્યા બાબતે વાત કરીને જણાવ્યું કે, દુનિયાના સૌથી નબળા દેશોમાં આના પરોક્ષ પરિણામો વાયરસની અસરથી પણ વધારે થઇ શકે છે.

લોકોકે પરિષદને સાવચેત કરી કે નબળા દેશોમાં કોવિડ-૧૯ સંકટના કારણે આર્થિક અને આરોગ્ય પર થનારી અપ્રત્યક્ષ અસરોના કારણે ગરીબી વધશે, સરેરાશ આયુષ્ય ઘટશે, ભૂખમરો વધશે, શિક્ષણની સ્થિતિ બગડશે અને વધુ બાળકોના મોત થશે. તેમણે કહ્યું કે, સંક્રમણના લગભગ એક તૃત્યાંશ કેસો માનવતાવાદી અથવા શરણાર્થી સંકટ સામે લડી રહેલા દેશો અથવા નબળા દેશોમાં છે પણ આ દેશો મહામારીથી કેટલા અસરગ્રસ્ત તે હજુ સુધી જાણવા નથી મળ્યું.

(12:48 pm IST)