Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રિયાનો જેલવાસ લંબાયો : જામીન અરજી રદ્દ

સુશાંત મોત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં અભિનેત્રીને ઝાટકો : રિયા - તેના ભાઇ શૌવિક સહિત તમામની જામીન અરજી કોર્ટે ફગાવી

મુંબઇ તા. ૧૧ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ફસાયેલી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસ મામલે એનસીબીએ ધરપકડ કરી હતી. જે બાદ રિયાએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પણ રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. એટલું જ નહીં ભાઈ શોવિકની પણ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.કોર્ટે આ કેસમાં અન્ય આરોપીઓને પણ જામીન આપ્યા ન હતા.તમામ ૬ આરોપીઓમાં રિયા, શોવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા, જૈદ અને બાસિત પરિહારની જામીન અરજી નામંજૂર થઈ છે.જામીન અરજી મંજૂર ન થતાં હવ રિયાને ૨૨ સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે.

મુંબઈની સેશન્સ કોર્ટ ગુરૂવારે ડ્રગ્સ કેસના આરોપી ભાઈ-બહેન રિયા અને શૌવિકની જામીન અરજી પર કોઈ નિર્ણય કરી શકી ન હોવાથી હવે આજે આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. રિયા-શૌવિકના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો એનસીબી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. એનસીબીએ કહ્યું કે, ડ્રગ્સ કેસના મૂળિયા ઘણા ઊંડા હોવાથી વધુ તપાસની જરૂર છે. કેસ પૂરો થયો નથી. એનસીબીના અધિકારીઓ ચાર-પાંચ દિવસથી ઘેર પણ ગયા નથી, આ કેસની સતત તપાસ કરી રહ્યા છે.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે આ કેસનો ચુકાદો સંભળાવતાં રિયા તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી રદ થયા બાદ રિયાના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. માનશિંદેએ કોર્ટમાં જણાવ્યું હતું કે રિયાએ દબાણમાં આવીને પોતાનું નિવેદન આપ્યું છે. તેણે કોઈ ગુનો કર્યો નથી. મને આ બધું કહેવા માટે દબાણ કરાયું હતું.

સેશન્સ કોર્ટે રિયા સહીત શોવિક, અબ્દુલ બાસિત, જૈદ, દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. રિયાના વકીલે બુધવારે જામીન અરજી લગાવી હતી અને ગુરૂવારે જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારે વકીલે કહ્યું હતું કે રિયાની જાનને ખતરો છે.

રિયાને એનસીબીએ ડ્રગ્સના ઉપયોગ મામલે ધરપકડ કરી છે જે બાદ ૧૪ દિવસની કસ્ટડીમાં ભાયખલા જેલમાં બંધ છે. ડ્રગ્સ કનેકશનમાં અત્યાર સુધી ૧૦ની ધરપકડ થઇ છે.

આજે કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવાયા બાદ રિયાને હાલ ભાયખલા જેલમાં જ રહેવું પડશે, જોકે માનવામાં આવી રહ્યું છે કે રિયાના વકીલો હવે હાઈકોર્ટમાં જશે અને જામીન માંગશે. દીપેશ સાવંતના વકીલોએ દલીલ કરી હતી કે તેમના વિરૂદ્ઘ કોઈ બિનજામીન ધારા લગાવવામાં આવી નથી તેથી તેમને જામીન મળવા જોઈએ. જોકે કોર્ટે તેમને કોઈ રાહત ન આપી.

(3:58 pm IST)