Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોનાએ દેશની ૫૦ ટકા શ્રમજીવી મહિલાઓની તાણમાં વધારો કર્યો છે

૫૦ ટકા શ્રમજીવી મહિલાઓની ભાવનાત્મક સુખાકારી પર અસર થઇ છે

બેંગલૂરૂ,તા.૧૧:  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંકડીન ઓનલાઇન પ્રોફેશનલ નેટવર્ક દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના રોગચાળાને કારણે દેશની આશરે ૫૦ ટકા શ્રમજીવી મહિલાઓની ભાવનાત્મક સુખાકારી પર અસર થઇ છે અને તેઓ વધુ તાણનો અનુભવ કરી રહી છે.

પુરુષો માટે આ ટકાવારી ૩૮ છે. ૨૭ જુલાઇથી ૨૩ ઓગસ્ટ સુધીના ભારતના ૨,૨૫૪ વ્યવસાયિકોના સર્વેક્ષણના તારણોમાં જાણવા મળ્યું હતું કે દેશની કામ કરતી મહિલાઓ અને માતાઓ પર કોરોનાના રોગચાળાએ અસર કરી છે. આ સર્વેમાં વ્યકિતગત નાણાકીય બાબતો અને કારકિર્દીની સંભાવના પ્રત્યે સાવધ આશાવાદ પણ જાહેર કરવામાં આવ્યો છે.

સર્વેક્ષણમાં રોગચાળા દરમિયાન બાળસંભાળના પડકારો અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ભારતનો એકંદર વિશ્વાસ વધી રહ્યો છે.

હાલમાં કામ કરતી દર ત્રણમાંથી એક મહિલા બાળસંભાળની જવાબદારી પૂર્ણપણે નિભાવી રહી છે. જયારે કામ કરતા દર પાંચમાંથી એક પુરુષ બાળસંભાળની જવાબદારી પૂર્ણપણે નિભાવી રહ્યો છે, એમ પણ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.

(11:50 am IST)