Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમેરિકામાં ભારતીય મૂળના દોષિતને ૨૩મીએ ફાંસી થશે

જીવલેણ ઇન્જેક્શન મારફતે મારી નાંખવામાં આવશે : આંધ્રપ્રદેશના રઘુનંદનને ભારતીય મહિલા અને તેની ૧૦ મહિનાની પૌત્રીનું અપહરણ કરીને ક્રૂર હત્યા બદલ સજા

વોશિંગ્ટન,તા. ૧૧ : પ્રથમ ભારતીય મૂળના અપરાધીને આગામી મહિનામાં મૃત્યુદંડ આપવામાં આવનાર છે. અમેરિકામાં ભારતીય મૂળના પ્રથમ અપરાધીને ફાંસી આપવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. બાળક અને તેની ભારતીય દાદીની હત્યા બદલ તેને અપરાધી ઠેરવવામાં આવ્યો હતો. ૩૨ વર્ષીય રઘુનંદન યંદામુરીને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. ૬૧ વર્ષીય ભારતીય મહિલા અને તેમના ૧૦ મહિનાની પૌત્રીનું અપહરણ કર્યા બાદ તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ખંડણીના કાવતરારુપે આ હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક અદાલત દ્વારા ૨૩મી ફેબ્રુઆરીની તારીખ ફાંસી માટે નક્કી કરવામાં આવી હતી. જો કે, તેને રાહત મળે તેમ પણ માનવામાં આવે છે. પેન્સિલવેનિયાના ગવર્નર ટોમ વુલ્ફ દ્વારા ફાંસીની સજા ઉપર સ્વૈચ્છિક પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા બાદ રાહત મળી શકે છે. રઘુનંદન મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા પ્રથમ ભારતીય અમેરિકન તરીકે છે. ફેડરલ સત્તાવાળાઓએ આક્ષેપ કર્યો હતો કે, ખંડણી મેળવવા માટે આ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશનો નિવાસી રઘુનંદન એચવનબી વિઝા પર અમેરિકા ગયો હતો. ઇલેક્ટ્રીકલ અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડવાન્સ ડિગ્રી તે ધરાવે છે. અપરાધી ઠેરવવામાં આવ્યા બાદ આ શખ્સે તેની સજા સામે અપીલ કરી હતી પરંતુ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેની સજાને ફગાવી દેવામાં આવી હતી. લોકલ હેરાલ્ડ ટાઈમ્સે કહ્યું છે કે, ૨૩મી ફેબ્રુઆરીના દિવસે જીવલેણ ઇન્જેક્શન મારફતે તેને મારી નાખવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે પરંતુ થોડાક સમય પહેલા કાયદામાં રાહતની જોગવાઈ કરાઈ હતી. રિપોર્ટ મુજબ ૨૦૧૫માં મૃત્યુ દંડ ઉપર સ્વૈચ્છિક પ્રતિબંધ મુકાયો હતો. છેલ્લા ૨૦ વર્ષના ઇતિહાસમાં પેન્સિલવેનિયામાં કોઇને પણ ફાંસી આપવામાં આવી નથી. ૧૯૭૬ બાદથી ત્રણ લોકોને ૧૯૯૫ અને ૧૯૯૯ વચ્ચે ફાંસી અપાઈ છે.

 

(7:44 pm IST)