Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કર્ણાટકમાં ભાજપમાં આંતરિક ખેંચતાણ આખરે સપાટી ઉપર

એકતા જાળવી રાખવા અમિત શાહે સૂચન કર્યું : વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી ત્યારે ટિકિટ મેળવવા ઇચ્છુક દાવેદારોમાં ખેંચતાણની સ્થિતિ સર્જાઈ

બેંગ્લોર,તા. ૧૧ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી ઉપર આવી છે. આવી સ્થિતિની નોંધ લીધા બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે સંયુક્તરીતે મળીને ચૂંટણી લડવા તમામ નેતાઓને અપીલ કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ટિકિટને લઇને ખેંચતાણની શરૂઆત થઇ ચુકી છે. વિજ્યાપુરા, ઉદુપી અને બેલ્લારી જિલ્લામાં ભાજપના કેટલાક નેતાઓએ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આખરે તમામને ઠપકો આપવાની ફરજ પડી છે. શાંતિ જાળવવા માટે તમામને અપીલ કરી છે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ ભાજપ સામે ટિકિટ ફાળવણીને લઇને કેટલીક સમસ્યાઓ આવી રહી છે. કેટલાક જિલ્લાઓમાં એકબીજા સામે પાર્ટીના નેતાઓ આક્ષેપબાજી કરી રહ્યા છે. નારાજ રહેલા નેતાઓ અન્ય રાજકીય પક્ષોમાં સામેલ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. અમિત શાહે હવે તમામને સંયુક્તરીતે રહેવા કહ્યું છે. બુધવારે ભાજપના બે ધારાસભ્યો વિજ્યાનગરા મતવિસ્તારમાં બીએસ આનંદસિંહ અને કુડલીગી મતવિસ્તારના બી નગેન્દ્ર દ્વારા પરિવર્તન યાત્રામાં ભાગ લેવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પોતપોતાના મતવિસ્તારમાં આ બંને પરિવર્તન યાત્રામાં ઉપસ્થિત રહ્યા ન હતા. આવી સમસ્યા અન્યત્ર પણ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ સામે સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. ભાજપના નેતાઓ પૈકી કેટલાક લોકોનું કહેવું છે કે, નગેન્દ્ર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ શકે છે. હાલમાં જ પરિવર્તન કાર્યક્રમોમાં નગેન્દ્રએ હાજરી આપી ન હતી.

(7:40 pm IST)