Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સોહરાબુદ્દીન કેસ સાથે સંકળાયેલા જજના મોત અંગે સુપ્રિમ કરશે સુનાવણી

૨૦૧૪માં જસ્ટિસ લોયાનું મોત થયું હતું: મોતની નિષ્પક્ષ તપાસ કરવા માગઃ સમગ્ર દેશમાં ઉઠયા હતા સવાલ

નવી દિલ્હી તા. ૧૧ : સીબીઆઈ જજ બૃજમોહન લોયાના સંદિગ્ધ મોત મામલે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે. જસ્ટિસ લોયા સીબીઆઈની કોર્ટમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલાને જોઈ રહ્યા હતા. આ હાઈ પ્રોફાઈલ કેસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાતના અનેક મોટા અધિકારી આરોપી હતા.જનહિતની અરજી સુપ્રીમ કોર્ટના વકીલ અનિતા શિનોયે દાખલ કરી છે. અરજદારે કોર્ટ સમક્ષ જસ્ટિસ લોયાની મોતની નિષ્પક્ષ તપાસ કરવા કહ્યું છે. સાથે જ તેમણે તેની સુનાવણી ૩ જજોની બેંચ પાસે કરાવવા પણ માગ કરી છે.

ઈંગ્લિશ મેગેઝીન ધ કારવાંમાં જસ્ટિસ લોયાના સમાચાર પર પરિવારના સંદહને લઈને એક વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો હતો. આ અહેવાલ બાદ દેશના અનેક હિસ્સામાં જસ્ટિસ લોયાના મોત પર સવાલ ઉઠ્યા હતા. આ મામલે બોમ્બે લોયર્સ અસોસિએશને બોમ્બે હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી જસ્ટિસ લોયાના મોતના નિષ્પક્ષ તપાસ કરવા માગ કરી હતી. હવે સુપ્રી કોર્ટ આ મામલે સુનાવણી કરશે.

જસ્ટિસ લોયાના મોત પર ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનના દીકરાએ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મંજુલા ચેલ્લુર સાથે મુલાકાત કરી હતી, અને જણાવ્યું હતું કે તેમના પિતાના મોતની પરિસ્થિતિને લઈને પરિવારને કોઈ ફરિયાદ કે શંકા નથી. જસ્ટિસ લોયાનું મોત ૨૦૧૪માં ૪૮ વર્ષની વયે હાર્ટ અટેકને કારણે થયું હતું.

નવેમ્બર ૨૦૦૫માં અમદાવાદમાં થયેલા કથિત એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન માર્યો ગયો હતો. આ મામલે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આરોપી હતા. જોકે, બાદમાં તેમને આ મામલામાંથી મુકત કરી દેવાયા હતા. આ કેસની સુનાવણી જસ્ટિસ લોયા કરી રહ્યા હતા.

(4:27 pm IST)