Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મદરેસામાં માત્ર ટેરરિસ્ટો જ તૈયાર થાય છે

આવું નિવેદન કરનારા શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે એમાંથી કયારેય ડોકટરો કે એન્જિનિયરો બહાર નથી નીકળતાઃ ઓવૈસીએ રિઝવીને સોથી મોટા જોકર ગણાવી કહ્યું છે કે તે તકસાધુ છે, તેમણે પોતાનો આત્મા RSSને વેચી દીધો છે

લખનૌ તા.૧૧: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ હાલમાં કરેલા એક નિવેદને વિવાદ ઊભો કર્યો છે. મદરેસાની શિક્ષણવ્યવસ્થા પર સવાલ ઊભો કરતાં રિઝવીએ કહ્યું હતું કે મદરેસાની તાલીમથી બાળકો એન્જિનિયર, ડોકટર કે IAS નથી બનતા, જોકે કેટલીક મદરેસામાં ભણનારાં બાળકો આતંકવાદી જરૂર બને છે. તેમને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. રિઝવીએ વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને ચિઠ્ઠી લખીને મદરેસાને CBSE,ECCE અને રાજ્ય શિક્ષા બોર્ડ સાથે સાંકળવાની માગણી કરી છે.

 

તેમણે કહ્યું હતું કે 'ધાર્મિક શિક્ષણને વૈકલ્પિક બનાવવું જોઇએ. મદરેસાને આધુનિક સ્કૂલનું રૂપ આપવું જોઇએ જેમાં મુસ્લિમ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ શિક્ષણ મેળવી શકે. સરકાર જો આ મુદ્દા પર ધ્યાન આપશે તો એનાથી દેશ વધુ મજબૂત બનશે.'

 

સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષના આ નિવેદન પર વિવાદ ઊભો થયો છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદીન ઓવૈસીએ તેમને સૌથી મોટા જોકર ગણાવી કહ્યું છે કે 'તે તકસાધુ છે. તેમણે પોતાનો આત્મા RSSને વેચી દીધો છે. તે એક પણ એવી મદરેસા બતાવે જયાં બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવતી હોય. જો રિઝવી પાસે આનો કોઇ પુરાવો હોય તો તે ચોક્કસ એને ગૃહપ્રધાન સમક્ષ રજૂ કરે.'(૧.૬)

 

(6:24 pm IST)