Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુપીમાં ઠંડીનો કહેરઃ વધુ ૪૦ના મોતઃ પ્રસિધ્ધ દાલ સરોવર થીજ્યું

સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ઠંડીની લહેર જારીઃ ટ્રેનો રદ્દ કરવી પડી

નવી દિલ્હી તા. ૧૧ : ઉત્તરપ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહેતાં વધુ ૪૦ લોકોનાં મોત થયાં છે અને એ સાથે ઠંડીના કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા ૧૪૩ થઈ છે. છેલ્લાં ૨૪ કલાકમાં જ વધુ ૪૦ લોકોનાં મોત અહીં નોંધાયાં છે. કાશ્મીરમાં શ્રીનગરનું પ્રસિધ્ધ દાલ સરોવર થીજી ગયું છે. શ્રીનગરમાં પારો માઈનસ ૬.૩ સેલ્શિયસ સુધી નીચે ઉતરી ગયો છે. ધુમ્મસને કારણે રેલવેએ ઉત્તર ભારતની ૨૨ ટ્રેનો રદ કરવી પડી છે. 

 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શ્રીનગરમાં આ સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. લદ્દાખમાં કારગિલમાં ઠંડી માઈનસ ૨૩.૬ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. લેહમાં પારો માઈનસ ૧૭.૪ ડિગ્રી નોંધાયો છે. શ્રીનગરમાં દાલ સરોવર સહિત પાણીની પાઈપો પણ થીજી જતાં લોકોને હાલાકી પડી રહી છે. કેટલેક સ્થળે પાણીની પાઈપો ફાટી છે. પાણી થીજી જવા ઉપરાંત અહીં વીજળી ગુલ થવાની સમસ્યા પણ વધી છે. કાશ્મીરમાં અતિશય ઠંડીનો ગાળો 'ચિલાઈ કલાન'ચાલે છે, જેમાં ૪૦ દિવસ સુધી કાતિલ ઠંડી પડે છે.

 ઉત્ત્।રપ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે. આ ઉપરાંત સવારના સમયે ગાઢ ધુમ્મસથી પરિવહનને પણ અસર પહોંચી રહી છે. રાજયમાં કાતિલ ઠંડીના કારણે સ્કૂલોમાં શિયાળુ વેકેશન વધુ એક દિવસ માટે લંબાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. એક બાળકનું સ્કૂલે ગયા પછી મોત થયા બાદ તેના વાલીઓએ ફરિયાદ કરી હતી કે બાળકનું મોત ઠંડી લાગવાના કારણે થયું છે. આ ઉપરાંત લખનૌમાં ઠંડીના કારણે ૭૦૦ જેટલા રખડતાં પ્રાણીઓનાં મોત થયાં છે જેમાં મોટાભાગે ગાયો અને કૂતરાં સામેલ હોવાનું લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું. લખનૌમાં તાપમાન ૪.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જયારે મેરઠમાં તાપમાન ૨.૯ ડિગ્રી સે. જેટલું નીચું ગયું હતું.

ઉત્ત્।ર ભારતમાં પંજાબ-હરિયાણામાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત્ છે. જેમાં જલંધરનું આદમપુર ૦.૬ ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુગાર સ્થળ સાબિત થયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. બંને રાજયોની સંયુકત રાજધાની ચંડીગઢમાં તાપમાન ૪.૮ ડિગ્રી સે. રહેવા પામ્યું હતું. જયારે હરિયાણામાં નારનૌલ અને કરનાલમાં ક્રમશઃ ૨.૫ ડિગ્રી સે. અને ૨.૨ ડિગ્રી સે. તાપમાન રહ્યું હતું. અંબાલા, હિસાર અને રોહતકમાં ક્રમશૅં તાપમાન ૫.૨, ૫.૧, અને ૫.૭ ડિગ્રી સે. રહ્યું હતું.

(11:27 am IST)