Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

EPFO સબસ્ક્રાઇબર્સનું મીનીમમ પેન્શન ૩૦૦૦ કરવા તૈયારી

પેન્શનરોની લાંબા સમયની માંગણીનો આખરે સ્વીકાર થશેઃ શ્રમ મંત્રાલયે પેન્શન વૃધ્ધિનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલ્યોઃ હાલ ૧૦૦૦ રૂ. પેન્શનરોને પેન્શન મળે છેઃ જો પેન્શન વધશે તો પ૦ લાખ પેન્શનરોને ફાયદો થશે

નવી દિલ્હી તા.૧૧ : કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (ઇપીએફઓ)ના પેન્શનર્સને ટુંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. આ સારા સમાચાર હશે મીનીમમ પેન્શન વધારીને ૩૦૦૦ રૂપિયા કરવા અંગેના.

સરકાર ઇપીએફઓના પેન્શનરોનું ન્યુનતમ પેન્શન ૩૦૦૦ રૂ. કરી શકે છે. આ અંગેનો પ્રસ્તાવ શ્રમ મંત્રાલયે તૈયાર કરી નાણા મંત્રાલયને મોકલ્યો છે હવે નાણા મંત્રાલય પીએમઓ સાથે વાતચીત કરી અંતિમ નિર્ણય લેશે. તે પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી પાસે તેને પસાર કરાવાશે. અત્યારે ઇપીએફઓના પેન્શનર્સને ન્યુનતમ ૧૦૦૦ રૂ. પેન્શન મળી રહ્યુ છે. આ રકમ વધારવા પેન્શનરોની લાંબા સમયની માંગણી છે. જો સરકાર આ નિર્ણય લેશે આનાથી લગભગ પ૦ લાખ પેન્શનરોને ફાયદો થશે.

શ્રમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ બારામાં પેન્શનરો સાથે વાતચીત થઇ ગઇ છે. તેઓની માંગને જોતા ન્યુનતમ પેન્શનમાં વધારોનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલાયો છે. શ્રમ મંત્રાલય ઇચ્છે છે કે આ અંગે વહેલી તકે નિર્ણય લેવાય. સુત્રોના કહેવા મુજબ હવે બોલ નાણા મંત્રાલયની કોર્ટમાં છે. દરમિયાન સીબીટીના સભ્ય ઉપાધ્યાયનું કહેવુ છે કે, પેન્શનરોના હિતમાં જે કોઇ પ્રસ્તાવ આવશે તેના ઉપર વિચાર કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯પ પેન્શનર સંઘર્ષ સમિતિ ન્યુનતમ પેન્શન વધારવાને લઇને સંઘર્ષ કરી રહેલ છે. ગયા સપ્તાહે રામલીલા મેદાનથી જંતરમંતર મેદાન સુધી માર્ચ યોજી હતી. જેમાં રર રાજયોના હજારો દેખાવકારોએ ભાગ લીધો હતો.

સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશોક રાઉતનું કહેવુ છે કે જો ઇપીએફઓ અમારી માંગણી નહી સંતોષે તો અમે દરેક પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોને મળશુ અને આને રાષ્ટ્રીય આંદોલન બનાવશુ. હાલ ૧૦૦૦નું પેન્શન મળે છે જે અપુરતુ છે અને આને વધારવુ જરૂરી છે.(૩-૪)

(10:25 am IST)