Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કૃષિ-રોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરોઃ કોર્પોરેટ ટેક્ષ ઘટાડો

દેશના વિકાસ અને રોજગારીના રોડમેપ ઉપર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ ૪૦ અર્થશાસ્ત્રીઓ સાથે યોજી બેઠકઃ સુચનોનો ધોધ વરસ્યોઃ શેર ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાદવા સુચનઃ કૃષિ ઉત્પાદનને બદલે ખેડુતોની આવક વધારવા ઉપર ધ્યાન આપવુ જરૂરીઃ મોદીએ સાહસિક નિર્ણયો લેવા ઇરાદો વ્યકત કર્યો

નવી દિલ્હી તા.૧૧ : દેશના વિકાસ અને રોજગારનો રોડમેપ તૈયાર કરવા માટે વડાપ્રધાન મોદીએ ગઇકાલે દેશના ટોચના અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, સાહસિક નિર્ણયો લેવામાં સરકાર પાછી પાની નહી કરે. ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી અરૂણ જેટલી દેશનું બજેટ રજુ કરશે. જેમાં આવા નિર્ણયો વિકાસની રફતાર ઝડપી બનાવશે એટલુ જ નહી ર૦૧૯ની ચૂંટણીમાં સરકારને ફાયદો પણ થશે. બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓની બેઠકમાં મોદીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે અર્થવ્યવસ્થાને લઇને તેમની સરકાર શું વિચારે છે. પીએમ મોદીએ આવતા દિવસોમાં પોતાની સરકારનો એજન્ડા પણ રજુ કર્યો હતો. આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓએ રોજગારી, કૃષિ અને નાણાકીય કોન્સોલીડેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સુચન કર્યુ હતુ.

 

નીતિ આયોગમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, સરકાર ડર વગર નિર્ણયો લેવામાં સક્ષમ છે અને સરકાર સાહસિક નિર્ણયો લેશે. આપણા વિશાળ દેશમાં અનેક અંતઃવિરોધ અને એ વચ્ચે આગળ વધીને વિકાસ કરવાનો છે. એક તરફ રાજકોષીય ખાધ ઘટાડવાની છે તો બીજી તરફ નવી કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવાની છે. સંતુલીત જાળવતા વિકાસના પથ પર આગળ વધવાનો સરકારનો એજન્ડા છે.

 

આ કાર્યક્રમમાં ૪૦થી વધુ અર્થશાસ્ત્રીઓએ અર્થવ્યવસ્થા, કૃષિ અને ગ્રામીણ વિકાસ, રોજગાર, સ્વાસ્થ્ય તથા શિક્ષા, મેન્યુફેકચરીંગ તથા નિકાસ, શહેરી વિકાસ જેવા વિષયો પર પોતાના વિચારો રાખ્યા હતા. પીએમએ ભરોસો આપ્યો હતો કે સરકાર તમારા સુચનો ઉપર વિચારણા કરશે. આ બેઠકમાં નાણામંત્રી જેટલી, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમાર અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

કૃષિ, રોજગારી સર્જન અને નાણાકીય કોન્સોલીડેશન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અર્થશાસ્ત્રીઓએ સરકારને સુચન કર્યુ હતુ. અર્થશાસ્ત્રીઓએ એવુ પણ સુચન કર્યુ હતુ કે કોર્પોરેટ ટેકસ હાલના ૩૦ ટકાથી ઘટાડવો જોઇએ. અર્થશાસ્ત્રીઓએ લીસ્ટેડ સિકયુરીટી અને મ્યુ.ફંડ ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાદવા પણ સુચન કર્યુ હતુ.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં જોબ ક્રિએટ કરવા ચોક્કસ કૃષિ પેદાશો માટે જિલ્લા સ્તરે કલસ્ટર વિકસિત કરવા, કોર્પ જીઓમેટ્રીમાં ફેરફાર કરવા અને બજારો સાથે ખેડુતો માટેની લીકેજ સુધારવા પણ સુચન થયુ હતુ. કૃષિ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ વધારવા પણ સુચન થયુ હતુ. ખાતર સબસીડીનું સરળીકરણ કરવા પણ સુચન કરવામાં આવ્યુ હતુ.

અર્થશાસ્ત્રીઓ ઇચ્છતા હતા કે, કૃષિ ઉપર ધ્યાન કેન્દ્રીત થાય, કૃષિ ક્ષેત્રમાં ખેડુતોની આવક વધે અને ઉત્પાદકતા વધે એટલુ જ નહી હેલ્થકેર અને શિક્ષણમાં પ્રોત્સાહન આપવુ જરૂરી છે. સૌથી વધુ ધ્યાન બેરોજગારી દુર કરવા ઉપર લાવવુ જોઇએ. લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ ફરી દાખલ કરવો જોઇએ અને કોર્પોરેટ ટેકસ ઘટાડવો જોઇએ. ખાધ ઘટાડવાનો રોડમેપ નક્કી થવો જોઇએ.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યુ હતુ કે, અર્થશાસ્ત્રીઓએ સુચન કર્યુ છે કે કૃષિ પ્રોડકટને બદલે ખેડુતોની આવક વધારવા પર ભાર મુકવો જોઇએ. આ માટે ઉત્પાદકતા વધારવા, પડતર ઘટાડવા, બજાર સુધી પહોંચ વધારવા, કોમોડીટીને બદલે અન્ય પ્રોડકટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જરૂરી છે. બેઠકમાં શિક્ષિત બેરોજગારી ઉપર ચિંતા પ્રગટ કરવામાં આવી હતી અને જણાવાયુ હતુ કે, લોકોને શિક્ષિત કરવાની સાથે તેમની મહત્વકાંક્ષા વધે છે તેથી તેઓને રોજગાર મળે તે જરૂરી છે. આ બેઠકમાં બધાએ એક અવાજમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ બનાવવાને સમર્થન કર્યુ હતુ.(૩-૩)

(10:25 am IST)