Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

નોટબંધી, GST, RERAની અસરઃ સસ્તા થયા મકાનો

નાઇટફ્રેન્ક ઇન્ડિયા રિયલ એસ્ટેટના રિપોર્ટ અનુસાર દેશભરના શહેરોમાં રેસિડેન્શિયલ ઘરોની કિંમતમાં સરેરાશ ૩ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છેઃ રિયલ એસ્ટેટના નવા પ્રોજેકટસમાં સસ્તા ઘરોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૧ : ગયા વર્ષે નોટબંધી, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ(RERA) અને GST લાગુ થવાને કારણે રેસિડેન્શિયલ ઘરોની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. નાઈટફ્રેંક ઈન્ડિયા રિયલ એસ્ટેટના રિપોર્ટ અનુસાર દેશભરના શહેરોના રેસિડેન્શિયલ ઘરોની કિંમતમાં સરેરાશ ૩ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર સૌથી વધારે ઘટાડો પુના(૭ ટકા) અને મુંબઈ(૫ ટકા)ના રેસિડન્શિયલ ઘરોમાં જોવા મળ્યો છે. NCRમાં રેસિડેન્શિયલ ઘરોની કિંમત સતત પાછલા ૬ વર્ષોથી ઘટી રહી છે. ગયા વર્ષે પણ કિંમતોમાં ૨ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ઘરોની કિંમતમાં ઘટાડાનું મુખ્ય કારણ માંગમાં કમી જણાવવામાં આવી રહ્યું છે.

બેંગ્લોર, દિલ્હી-NCR, અને ચેન્નાઈમાં ઘરોના વેચાણમાં ક્રમશઃ ૨૬,૬ અને ૨૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. જો કે મુંબઈ અને પુનામાં ઘરોની ખરીદીમાં થોડોક વધારો જોવાયો છે. રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રમાં રેરા લાગુ થયા પછી મુંબઈ અને પુનામાં ઘરોના વેચાણમાં ક્રમશઃ ૩ અને ૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

વેચાણ ઓછું થવાને કારણે રેસિડેન્શિયલ સ્કીમોની લોન્ચિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર રિયલ એસ્ટેટના નવા પ્રોજેકટ્સમાં સસ્તા ઘરોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

૨૦૧૬માં નવા પ્રોજેકટ્સમાં સસ્તા ઘરોની ભાગીદારી ૫૩ ટકા હતી, ૨૦૧૭માં તે વધીને ૮૩ ટકા થઈ ગઈ છે. ડેવલોપર્સ પણ ૫૦ લાખ સુધીની કિંમત વાળા ઘરો પર ફોકસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી સબસિડી અને વધારે માંગને કારણે સસ્તા ઘરોના વધારે પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યા છે.

જો અમદાવાદની વાત કરીએ તો નવા રેસિડેન્શિયલ યુનિટના લોન્ચમાં થયેલા ઘટાડાને કારણે વેચાતા ન હોય તેવા યુનિટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક સ્ટેટ્સના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ૨૦૧૬માં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન અનસોલ્ડ યુનિટ્સ ૩૭૮૩૫ હતા, જે ૨૯ ટકા ઘટીને ૨૦૧૭માં ૨૬૮૮૪ થઈ ગયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ એક હેલ્ધી માર્કેટની નિશાની છે. અમદાવાદમાં નવા રેસિડેન્શિયલ પ્રોજેકટ્સની સંખ્યામાં જુલાઈ-ડિસેમ્બરના ગાળામાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. અનું કારણે રેરા, જીએસટીનું અમલીકરણ છે. જો આખા વર્ષની વાત કરીએ તો ૨૦૧૬ની સરખામણીમાં રેસિડેન્શિયલ યુનિટ્સના લોન્ચમાં ૬૬ ટકા ઘટાડો થયો છે. જો કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અન્ય શહેરોમાં કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે તો અમદાવાદમાં કિંમતોમાં ૨ ટકા વધારો થયો છે.(૨૧.૯)

(10:22 am IST)