Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લગ્ન કરવા માટે યુવકે મૂકી વિચિત્ર શરત!

શરતો સોશિયલ મીડિયામાં વાઇરલ

કોલકત્તા તા. ૧૧ : પશ્ચિમ બંગાળમાં સરકારી નોકરી કરી રહેલો એક યુવક લગ્નની તૈયારી કરી રહ્યો છે. ભાવિ પત્ની માટે તેણે કેટલીક શરતો મૂકી છે. તેની આ શરતો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ બની છે. યુઝર્સ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

ભાવિ પત્ની માટે આ યુવકે કેટલીક શરતો રાખી છે. જેના અનુસાર પત્નીની ઉંમર ૧૮થી ૨૨ વર્ષ વચ્ચે હોવી જોઇએ અને ઓછામાં ઓછો ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ હોવો જોઇએ. જોકે, મુખ્ય શરત એ છે કે યુવતીને સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક-વ્હોટ્સએપ જેવી આદત ના હોવી જોઇએ. રાજયમાં લગ્ન માટે આવતાં જાહેરાતોમાં આ એક નવો ટ્રેન્ડ બન્યો છે. જે પર એકસપર્ટ્સે ચિંતા જણાવી છે.

પશ્ચિમ બંગાળમાં લગ્ન માટે અપાતી જાહેરાતોમાં આ એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. જે વધતો જઇ રહ્યો છે. સોશિયલ મીડિયાની લતમાં ગત વર્ષે જુલાઇ સુધી ભારત ટોપ પર હતું. દેશમાં ૨૪.૧ કરોડ લોકો ફેસબુકનો વપરાશ કરે છે તો ૨૦ કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.

સોશિયલ સાયન્સ એકસપર્ટ પ્રસાન્તા રેએ આ ટ્રેન્ડ પર ચિંતા વ્યકત કરી હતી. 'લગ્નની જાહેરાતમાં જો લોકો આવી શરત મૂકી રહ્યાં છે તો તેની પાછળ કોઇ તો કારણ હોવું જ જોઇએ. આવા લોકો નથી ઇચ્છતા કે તેનો પાર્ટનર સોશિયલ મીડિયાના માધ્યમ સાથે જોડાયેલો રહે. આ પરિણીત જીવન પર અસર પહોંચાડી શકે છે. આવા લોકો દુનિયાની સામે પોતાની જિંદગીના ખુલાસાઓ કરવા ઇચ્છતા નથી.'

પૂર્વ પોલીસ અધિકારી પલ્લવ ક્રાંતિ ઘોષે જણાવ્યું કે, 'સોશિયલ મીડિયાની બીજી બાજુ એ પણ છે કે તેની અનેક ખરાબ અસર પણ છે. અનેક ફેક પ્રોફાઇલ પણ હોય છે. જેથી દગાબાજીની આશંકા પણ હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના વધારે પ્રયોગથી તણાવ, અનિંદ્રા, બેચેની પણ વધી જાય છે.'(૨૧.૫)

(9:32 am IST)