Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પ.બંગાળની ભવાનીપુર બેઠકમાં મમતાને ટક્કર આપશે પ્રિયંકા ટિબરવાલ

ભવાનીપુર બેઠક માટે ૩૦ સપ્ટેમ્બરે યોજાશે મતદાન

કોલકત્તા તા. ૧૦ : ભારતીય જનતા પાર્ટીએ ભવાનીપુર પેટાચૂંટણી માટે પ્રિયંકા ટિબરવાલને ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે કે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણીમાં પ્રિયંકા ટિબરવાલ મમતા બેનર્જી સાથે ટકરાશે. પ્રિયંકા ટિબરવાલ વ્યવસાયે વકીલ છે. તેમણે વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસા સામે અરજી કરી હતી.પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કોલકાતા હાઇકોર્ટમાં પ્રેકિટસ કરે છે. તે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે.

ભવાનીપુર બેઠક માટે ૩૦ સપ્ટેમ્બરે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં સમસેરગંજ અને જંગીપુર બેઠકો તેમજ ઓડિશાના પીપલી મતવિસ્તારમાં પેટાચૂંટણી એક જ દિવસે યોજાવાની છે. મત ગણતરી ૩ ઓકટોબરે થશે. દરેકની નજર ભાજપ કોને ઉમેદવાર બનાવશે તેના પર હતી કારણ કે નોમિનેશન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. સાથે જ કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર ઉતારવાની ના પાડી દીધી છે.

ભવાનીપુરમાં મમતા બેનર્જીને ઘેરવા માટે ભાજપે મોટી રણનીતિ બનાવી છે. ઉમેદવાર પ્રિયંકા ટિબરવાલની જાહેરાત પહેલા શુક્રવારે જ બેરેકપોરના સાંસદ અર્જુન સિંહને ભવાનીપુરના નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. અર્જુન સિંહની સાથે સાંસદ સૌમિત્ર ખાન અને જયોતિર્મય સિંહને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

ભવાનીપુરના પ્રભારી, મહામંત્રી સંજય સિંહને તેમની સાથે બે સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. દરેક વોર્ડ માટે ભાજપે એક ધારાસભ્ય (કુલ ૮) ને જવાબદારી આપી છે. અભિનેતા રૂદ્રનીલ ઘોષને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

(3:33 pm IST)