Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કેટલાક ગવર્નરોની બદલી જાહેર

ગુરમિત સિંહ ઉત્તરાખંડના, પુરોહિત પંજાબના, એન. રવી તમિલનાડુના રાજ્યપાલ બન્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યનું રાજીનામુ સ્વીકાર્યુ અને રાજ્યના રાજ્યપાલની કમાન લેફટનન્ટ જનરલ (નિવૃત) ગુરમીત સિંહને સોંપી. રાષ્ટ્રપતિ ભવનથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મૌર્યનું રાજીનામુ સ્વીકારી લીધુ છે અને તેમના સ્થાને લેફટનન્ટ જનરલ ગુરમીત સિંહને આ જવાબદારી સોંપી છે.

રાષ્ટ્રપતિએ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પંજાબના નિયમિત રાજ્યપાલ તરીકે નિયુકત કર્યા છે. અત્યાર સુધી પુરોહિત પંજાબના રાજ્યપાલનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિની બદલી તામિલનાડુમાં કરવામાં આવી છે, જે હવે પુરોહિતની જગ્યા લેશે.

આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી પણ નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળશે. તે આગામી વ્યવસ્થા સુધી આ જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે આ તમામ રાજ્યપાલ જ્યારે ચાર્જ સંભાળશે ત્યારથી તેમનો કાર્યભાર શરૂ થશે.

(10:09 am IST)