Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૯૦૦ કર્મીને કાઢી મૂકનારા વિશાલ ગર્ગે માફી માગી

બેટર ડોટ કોમના સીઈઓએ ૯૦૦ કર્મીને કાઢી મૂક્યા : મારા નિર્ણય પર હું કાયમ છું પણ આ નિર્ણયનો જે રીતે મેં અમલ કર્યો તે ખોટો હોવાની સીઈઓની કબૂલાત

નવી દિલ્હી, તા.૯ : અમેરિકન કંપની બેટર ડોટ કોમના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગે  ઝૂમ કોલ પર કંપનીના ૯૦૦ કર્મચારીઓની એક સાથે હકાલપટ્ટી કરી દીધા બાદ ચારે તરફથી તેમના પર  માછલા ધોવાઈ રહ્યા છે.

આખરે વિશાલ ગર્ગે પોતાની આ હરકત પર માફી માંગી છે અને કર્મચારીઓને પત્ર લખીને કહ્યુ છે કે, તમને છુટા કરવા માટે જે પણ રસ્તો મેં અપનાવ્યો હતો તે ચોક્કસ ખોટો હતો.

સીઈઓ ગર્ગે કહ્યુ હતુ કે, મારાથી મોટી ભૂલ થઈ છે અને મેં જે રસ્તો અપનાવ્યો હતો તે ખોટો હતો.કંપનીમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપનારા કર્મચારીઓ માટે યોગ્ય સન્માન વ્યક્ત કરવામાં અને તેમનો આભાર માનવામાં હું નિષ્ફળ રહ્યો છું.કર્મચારીઓને છુટા કરવાના મારા નિર્ણય પર જોકે હું કાયમ છું પણ આ નિર્ણયનો જે રીતે મેં અમલ કર્યો તે ખોટો હતો.આવુ કરીને મે તમને શરમજનક સ્થિતિમાં મુકયા છે અને મને આ વાતનો અહેસાસ થયો છે.

ઉલ્લેખનીય છે કે, વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ કોલ પર કર્મચારીઓની મિટિંગ બોલાવી હતી અને એક સાથે ૯૦૦ કર્મચારીઓને કહ્યુ હતુ કે, તમને છુટા કરવામાં આવે છે.માત્ર ત્રણ મિનિટના વિડિયો કોલમાં વિશાલ વર્ગે પોતાનો નિર્ણય કર્મચારીઓ સમક્ષ જાહેર કર્યો હતો.જે અંગે કર્મચારીઓને અગાઉથી કોઈ જાણકારી પણ નહોતી.

ગર્ગની જાહેરાત સાંભળીને કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને કેટલાક તો ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા હતા.એક કર્મચારીએ આ વિડિયો કોલ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. અમેરિકામાં આ નિર્ણયની ટીકા એટલા માટે પણ થઈ રહી છે કે, ક્રિસમસના તહેવારો પહેલા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.આ સમય અમેરિકામાં સેલિબ્રેશનનો હોય છે અને લોકો વેકેશન પર જવાની યોજનાઓ બનાવતા હોય છે.

(7:13 pm IST)