Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સ્વિસ બેંકોએ ૮૬ દેશોના ૩૧ લાખ બેંક ખાતા અંગે માહિતી આપી દીધી

છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ભારતીયોના ખાતા અંગે જાણકારી મળી: ઓળખ, એકાઉન્ટની નાણાકિય વિગત; નામ, સરનામું, રહેઠાણ વગેરે આપી દીધું

નવી દિલ્હી :સ્વિસ બેંકોએ ૮૬ દેશોના ૩૧ લાખ બેંક ખાતા અંગે માહિતી રજુ કરી છે. ગત વર્ષ ૨૦૧૯માં પણ ભારત સહિતના ૭૫ દેશોને બેંક ખાતા અંગેની માહિતી સ્વિસ બેંકે આપી હતી. છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ભારતીયોના ખાતા અંગે જાણકારી મળી છે. ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે કાળા નાણાની યાદી માટે જે આદાન પ્રદાનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સ્વિસ બેંકોમાંથી બેંક એકાઉન્ટ અંગેની બીજી નવી યાદી બહાર આવી ગઇ છે. આમાં મોટા ભાગની માહિતી જુના ખાતાઓ સંદર્ભની છે જેમાં ૨૦૧૮ સુધીમાં સક્રિય હતા અથવા તો બંધ થઇ શકે તેમ હતા. યાદીમાં ઓળખ, એકાઉન્ટની નાણાકિય વિગતની જાણકારી ઉપરાંત નામ, સરનામું, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે.

ટેકસ ચોરી કે નાણાકિય ઉચાપત કરીને સ્વિસ બેંકોમાં નાણા રાખનારાઓના બેંક એકાઉન્ટની વિગતો ભારત ઘણા સમયથી માંગતું રહયું છે. સ્વિસ બેંકમાં કાળા નાણા ભારતમાં ખૂબ મોટો રાજકિય મુદ્વો પણ રહયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે પનામા, બ્રિટીશ વર્જીન આઇસલેન્ડમાં સ્થાપિત કંપનીઓના સંદર્ભમાં વિગતો માંગી હતી જેમાં કેટલાક વેપારીઓ અને રાજનેતાઓનો સમાવેશ થતો હતો. જો કે કુલ કેટલા ભારતીયો દ્વારા જુદી જુદી સ્વિસ બેંકોમાં કેટલા એકાઉન્ટસ અને કેટલી રકમ છે તે અંગે ચોકકસ જાણવા મળતું નથી.

ગોપનિયતા હેઠળ રજેરજની માહિતી આપવાનો બેંકો સતત ઇન્કાર કરતી રહે છે. ૭૬ લાખની વસ્તી ધરાવતા યૂરોપના સ્વિત્ઝર્લેન્ડ દેશમાં ૪૦૦ થી વધુ બેંકો છે. બેંકોમાં ઓળખ છુપાવીને માત્ર નંબરના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે.ગોપનિયતાની શરતોનું ચૂસ્ત રીતે પાલન થાય છે આથી દેશનું બેન્કિંગ સેક્ટર વિશ્વમાં ટેકસ હેવન તરીકે જાણીતું છે. જો કે ગોપનિયતાના નામે બેંકમાં કાળા નાણા પણ ઠલવાતા હોવાના પગલે વિશ્વના વિવિધ દેશોમાં વિરોધ પણ થતો રહયો છે.

(11:30 pm IST)