Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્‍ચેના યુદ્ધમાં રશિયાની એન્‍ટ્રીના ભણકારાઃ પુતિનના નિવેદનથી મચ્‍યો ખળભળાટ

નવી દિલ્હી: આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે રશિયાને હવે ખબર પડી ગઈ છે કે સીરિયાથી મોકલાયેલા આતંકીઓ નાર્ગોન કારાબાખના રસ્તે રશિયામાં એન્ટ્રી લઈ શકે છે. આ ગુપ્તચર અહેવાલ સામે આવતા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઈસ્લામિક આતંકવાદીઓને સૌથી મોટી ચેતવણી આપી દીધી છે.

તુર્કી પર આરોપ છે કે તેણે પોતાના પૈસાના દમ પર સીરિયાના આતંકીવાદીઓને અઝરબૈજાન તરફથી લડવા માટે યુદ્ધના મેદાનમાં મોકલ્યા છે.આર્મેનિયાના મિત્ર દેશ રશિયાની ઈન્ટેલિજન્સને ઈસ્લામિક આતંકવાદના આ આંતરરાષ્ટ્રીય ષડયંત્રની પૂરેપૂરી જાણકારી છે.

રશિયાના ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસના પ્રમુખ સર્ગેઈ નાર્ય સ્કિનનું કહેવું છે કે યુદ્ધ ક્ષેત્રમાં જે ભાડાના સૈનિકો આવી રહ્યા છે તે મિડલ ઈસ્ટના આતંકવાદી છે. રશિયા પહેલેથી હજારો આતંકીવાદીઓ સામે ઝઝૂમી રહ્યું છે. હવે કારાબાખ યુદ્ધમાં પૈસા કમાવવાની આશાએ અનેક આતંકીઓ પણ કૂદી પડ્યા છે.

રશિયાની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસના ચીફે આ સાથે એવો અંદેશો પણ વ્યક્ત કર્યો કે દક્ષિણ કાકેશસ વિસ્તાર આતંરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો માટે એક નવું લોન્ચિંગ પેડ બની શકે છે. જ્યાંથી આ આતંકીઓ સરળતાથી રશિયામાં પ્રવેશી શકે છે.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે આ ષડયંત્ર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાનો ઈન્ટેલિજન્સ રિપોર્ટ જોયા બાદ આતંકીઓની ઊંઘ ઉડી જાય તેવી જાહેરાત કરી. તેમણે ખુલીને આર્મેનિયાનો સાથ આપવાની જાહેરાત કરી.

પુતિને કહ્યું  કે ખુબ દુખ સાથે કહેવું પડે છે કે દુશ્મનાવટ હજુ પણ ચાલુ છે. પરંતુ આ યુદ્ધ આર્મેનિયાના વિસ્તારમાં નથી થતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી રશિયા અને આર્મેનિયા વચ્ચે સૈન્ય સમજૂતિની વાત છે તો રશિયાએ હંમેશા પોતાની જવાબદારી નીભાવી છે અને આગળ પણ નીભાવશે. તેમના  આ નિવેદનને અજરબૈઝાન-તુર્કી સહિત દુનિયા માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.

રશિયાના રક્ષા વિશેષજ્ઞોના જણાવ્યાં  મુજબ રશિયા ક્યારેય પોતાના પાડોશમાં ઈસ્લામિક આતંકવાદીઓના લોન્ચિંગ પેડ બનવા દેશે નહીં. આવામાં તે કોઈ પણ સંજોગોમાં આર્મેનિયાનો સાથ આપશે. ઈસ્લામિક આતંકવાદના ષડયંત્ર પર તે તુર્કી સાથે બદલો પણ લઈ શકે છે. હકીકતમાં આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઈમાં ઈસ્લામિક આતંકવાદનું ઝેર ઘોળનારા તુર્કીથી રશિયા ખુબ નારાજ છે. રશિયાની સાથે સાથે હવે ઈરાને પણ કડક ચેતવણી આપી છે.

ઈરાનની સીમા અઝરબૈજાન અને આર્મેનિયા સાથે જોડાયેલી છે. આવામાં અહેવાલો છે કે યુદ્ધ દરમિયાન કેટલાક ગોળા અને રોકેટ ઈરાનની સરહદના ગામમાં પડ્યા છે. ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ નિવેદન બહાર પાડ્યું. ઈરાને  કહ્યું  કે અમારી પ્રાથમિકતા અમારા શહેરો અને ગામડાઓની સુરક્ષા છે. જો ઈરાનની ધરતી પર ભૂલેચૂકે મિસાઈલકે ગોળા પડ્યા તો સહન નહીં કરીએ અને બરાબર જવાબ આપવામાં આવશે. ઈરાનની સરહદો પર સેનાઓને એલર્ટ કરી દેવાઈ છે.

(5:39 pm IST)