Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઉત્તરપ્રદેશના દેવરિયામાં ટ્રાફીક સબ ઇન્‍સ્‍પેક્‍ટરનું પ્રશંસનીય કાર્યઃ ગંદા પાણીના નાળામાં ડુબી રહેલ બાળકનો જીવ બચાવ્‍યો

દેવરિયા: ઉત્તર પ્રદેશ પોલીસ હંમેશા પોતાના કારનામાના કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે દેવરિયાના ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટરે એવું કામ કર્યું કે ચારેબાજુ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર રામવૃક્ષ યાદવ એક 8 વર્ષના બાળકનો જીવ બચાવીને હીરો બની ગયા છે. રામવૃક્ષે પોતાના જીવની પરવા ન કરતા અનેક ફૂટ ઊંડા, પાણીથી છલોછલ નાળામાં કૂદીને એક બાળકનો જીવ બચાવ્યો.

સબ ઈન્સ્પેક્ટરની આ બહાદૂરી પર યુપી પોલીસે તેમની પ્રશંસા કરી છે. યુપી પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલથી રામવૃક્ષની પીઠ થપથપાવતા કહ્યું કે 'અમે ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર રામવૃક્ષ યાદવને સલામ કરીએ છીએ કે જેમણે પોતાની ડ્યૂટીથી ઉપર જઈને એક સીવરમાંથી 8 વર્ષના બાળકને બચાવ્યો. ડીજીપી યુપી ટીએસઆઈ રામવૃક્ષ યાદવ માટે પોતાની પ્રશંસાની  જાહેરાત કરતા પ્રસન્ન છે.'

જીવ બચાવીને ભીના કપડે જ નીભાવી ડ્યૂટી

હકીકતમાં બુધવારે મોડી સાંજે એક 8 વર્ષનો માસૂમ બાળક હિમાંશુ  પોતાના પરિજનો સાથે દેવરિયા શહેરમાં આવ્યો હતો. ઘૂમતા ઘૂમતા સુભષ ચોક પાસે એક રસ્તા કિનારે બનેલા નાળામાં તે પડી ગયો. આ નાળું પાણીથી ભરેલું હતું અને નરી ગંદકી હતી. લોકો નાળામાં પડેલા બાળકને કાઢવાની જગ્યાએ તમાશો જોતા હતા. કોઈએ તેની સૂચના TSI રામવૃક્ષ યાદવને આપી. તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને વર્દીમાં જ નાળામાં કૂદી પડ્યા અને બાળકનો જીવ બચાવ્યો. ત્યારબાદ ભીના કપડે જ ડ્યૂટી પર પહોંચી ગયા.

સિંઘમ નામથી બોલાવે છે લોકો

અત્રે જણાવવાનું કે દેવરિયા જનપદમાં તૈનાત ટ્રાફિક સબ ઈન્સ્પેક્ટર રામવૃક્ષ યાદવ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ હંમેશા દરેક સામાજિક કાર્યમાં જોડાય છે. પછી ભલે તે સ્વચ્છતાનો કાર્યક્રમ હોય કે ધાર્મિક  કે પછી ગરીબો અને અસહાય લોકોની મદદનો. કોરોના જેવી મહામારીમાં પણ રામવૃક્ષે આગળ પડતો ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લામાં લોકો તેમને સિંઘમ નામથી બોલાવે છે.

લોકોની મદદ કરવા માટે જ કરે છે ડ્યૂટી

TSI રામવૃક્ષ યાદવે જણાવ્યું કે આ તેમની ફરજ  છે. તેઓ હંમેશા પીડિતોની મદદ માટે ડ્યૂટી કરે છે. વર્દી પર લાગેલું કિચડ તો ધોવાઈ જશે પરંતુ જો આ બાળક ન બચત તો ભગવાન ક્યારેય માફ ન કરત.

(5:38 pm IST)